કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિએ `અન્યાય''ના મુદ્દે જનપ્રતિનિધિઓ પાસે `માર્ગદર્શન'' માગ્યું

ભુજ, તા. 27 : ગુજરાત સરકારે રજૂ કરેલા અંદાજપત્રમાં કચ્છને નર્મદાનાં વધારાનાં પાણી મેળવવાનાં કાર્યો કરવા માટે માત્ર 100 કરોડની ફાળવણી કરી છે. પ્રજા સાથે મજાક કરાઈ હોવાનું કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિએ જણાવી સાંસદ, ધારાસભ્યો આ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કરી જિલ્લાના ખેડૂતો કઇ?રીતે આગળ વધે તેનું માર્ગદર્શન આપવાની લાગણી વ્યકત કરી છે.સમિતિના અશોક મહેતાએ જણાવ્યું કે, કચ્છના જળ?સિંચાઇ વિભાગે વધારાનાં પાણીનાં કાર્યો કરવા 565 કરોડ ફાળવવા રજૂઆત કરી હતી. સાંસદ વિનોદ ચાવડાએ  2000, કરોડ તો કચ્છ નર્મદા જળ અભિયાન સંસ્થાએ 2500 કરોડ ફાળવવા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી. રાજ્ય સરકારે કચ્છી પ્રજાની લાગણી-માગણીને સમજ્યા વગર જ આ મામૂલી રકમ બજેટમાં ફાળવી છે.2006ની સાલમાં કચ્છને નર્મદાનું પૂરનું વધારાનું એક મિલિયન એકર ફૂટ પાણી ફાળવવા નિર્ણય લેવાયા બાદ 14 વર્ષ પછીય કામો શરૂ ન થતાં રાજ્ય સરકારના કચ્છ પ્રત્યેના ઓરમાયા વર્તનનો વધુ એક દાખલો મળ્યો છે, એવું શ્રી મહેતાએ ઉમેર્યું હતું. કચ્છ નર્મદા જળ અભિયાન સમિતિએ રાજ્યમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો ડો. નીમાબેન આચાર્ય, વીરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સંતોકબેન આરેઠિયાને પત્ર લખી આ સંસ્થા તેમજ જિલ્લાની જનતા હવે આ મુદ્દે કઇ રીતે આગળ વધે તે માટે માર્ગદર્શન આપવા અનુરોધ કર્યો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer