એલ.આર.ડી.ભરતી : મહિલાઓને ન્યાય આપવા કચ્છમાં પણ માંગ

ગાંધીધામ, તા 27 : ગાંધીનગરમાં એલ.આર.ડી ભરતી બાબતે મહિલાઓની માંગણી પૂરી કરવા  અને વર્ષ 2018ના ઠરાવને રદ કરવા અંગે રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારા  કચ્છ જિલ્લા કલેકટરને  આવેદન પાઠવવામાં આવ્યું હતું. ગાંધીનગર ખાતે ઓબીસી સમાજ, એસ.સી.સમાજ, અને એસ.ટી સમાજની મહિલાઓ એલ.આર.ડી ભરતી બાબતે થયેલા અન્યાયનો સરકાર સુધી અવાજ પહોંચાડવા આંદોલન આદર્યું છે. છતાંય  સરકાર  દ્વારા આ સમાજ પ્રત્યે ઓરમાયું વર્તન કરાય છે. સરકારની આ નીતિ બંધારણીય હક્કોનું પતન કરવા સમાન હોવાનું આવેદનપત્રમાં જણાવાયું હતું. સમાજના વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરીને પોતે પણ પોતાની સરકાર તરફે ફરજો અદા કરવા માટે તત્પર છે. તેમ છતાં સરકાર  દ્વારા ઓરમાયું  વર્તન કરાય છે. ઓગસ્ટ 2018માં કરાયેલા ઠરાવના કારણે મેરિટ ઉપર આવતી એલ.આર.ડી.ની ભરતીમાં પાસ થયેલી મહિલાઓઁને અન્યાય થયો  છે. જે સરકારનું ગંભીર કૃત્ય હોવાનો આક્ષેપ પત્રમાં કરાયો છે. વર્ષ 2018નો ઠરાવ રદ કરવા અને આ ઠરાવ કરનારા અધિકારી ઉપર કાર્યવાહી કરવાની માંગ આવેદનપત્રમાં કરવામાં આવી છે. સંઘના પ્રમુખ ભરત સોલંકી, દિનેશ ડુંગરિયા, ધનજી મેરીયર, પ્રવીણ પરમાર, નારણ વઘોરા વિગેરે જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer