રાપર તાલુકાના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે રાયડો ખરીદવા સેન્ટર શરૂ કરો

ભુજ, તા.27 : રાપર તાલુકામાં ટેકાના ભાવે રાયડો ખરીદવા માટે સેન્ટર શરૂ કરવા ખેડૂતોએ કરેલી માંગને પગલે જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.શ્રી સોઢાએ જણાવ્યું હતું કે, રાપર તાલુકામાં ગત ચોમાસે સારો વરસાદ થયે તેમજ નર્મદા નહેરનું પાણી પૂરતા પ્રમાણમાં મળતાં ખેડૂતોનો રાયડાનો પાક મોટા પ્રમાણમાં થયો છે તેથી ટેકાના ભાવે સરકાર ખરીદ કેન્દ્ર શરૂ કરે તેવી તાલુકાના ખેડૂતોએ તેમની પાસે માંગ કરી હતી.ઉલ્લેખનીય છે કે, રાપર તાલુકામાં રાયડાનું 5240 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હતું. હેક્ટર દીઠ 1967 કિ.ગ્રા. ઉત્પાદન ઉત્પાદક્તા ગણીએ તો 10,311થી વધુ ઉત્પાદન થવાનો જિલ્લા ખેતીવાડી શાખાએ અંદાજ વ્યક્ત કર્યો હતો.રાયડાનું રાપરની બજારમાં હાલે છૂટો છવાયો માલ વેચાણ માટે આવી રહ્યો છે. રાપર માર્કેટ યાર્ડના હેવાલ મુજબ હવાવાળા માલના 20 કિલોનો ભાવ 600થી 650 અને સૂકા માલનો 20 કિલોનો ભાવ રૂા. 725થી 730 છે.હવે બજારમાં માલની ભરપૂર આવક થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer