આડેસર પોલીસ મથકના લોકઅપમાં કેદ આરોપી સાથેની સેલ્ફીએ પ્રશ્નો ખડા કર્યા

આડેસર, તા. 27 : અહીંના પોલીસ મથકના લોકઅપમાં એટ્રોસિટીના ગુના કામે અંદર રહેલા તહોમતદાર સાથે તેના મિત્રોએ સેલ્ફી લીધી હતી. આ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી. આ અંગે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી હતી.રાપર તાલુકાના સણવા ગામના એક મહિલાને ફોન ઉપર જાતિ અપમાનિત કરી ધમકી આપવાના બનાવમાં મૂળ સણવા હાલે ગાંધીધામ 9-બી પાસે રહેતા તહોમતદારને આડેસર પોલીસે લોકઅપમાં રાખ્યો હતો. તેને મળવા આવેલા તેના મિત્રોએ તેની સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી વ્હોટસએપમાં વાયરલ થતાં ભારે ચકચાર જાગી હતી.લોકઅપમાં રહેલા તહોમતદારને મળવા આવેલા લોકોને તપાસ કર્યા બાદ તેમના મોબાઇલ કે અન્ય કોઇ વાંધાજનક વસ્તુ પોલીસ સ્ટેશન અધિકારી પાસે જમા કરાવવાની હોય છે. અને બાદમાં પોલીસની હાજરીમાં જ તહોમતદારના સગા, સબંધી, મિત્રો વગેરેને મળવા દેવાતા હોય છે. પરંતુ અહીં આવું કાંઇ જ ન થયું હોવાનું જણાય છે. પોલીસની આવી બેદરકારી કે મિલીભગતના કારણે લોકઅપમાં રહેલા તહોમતદારની સુરક્ષા પણ જોખમમાં મુકાઇ શકે છે.તહોમતદારને મળવા આવનારી વ્યક્તિનું નામ, સમય વગેરે વિગતો પોલીસ સ્ટેશન ડાયરીમાં નોંધવામાં આવતી હોય છે. બહારની વ્યક્તિ મોબાઇલ સાથે તહોમતદારને મળી શકે છે તો અન્ય કોઇ વસ્તુ પણ લઇ આવી શકે છે તથા આ તહોમતદાર ફોન થકી ફરિયાદને પણ નુકસાન પહોંચાડી શકે છે તેવી વાતો લોકોમાં વહેતી થઇ હતી.આ પોલીસ મથકમાં થોડા સમય પહેલાં એક શીખ (સરદાર) યુવાને ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. હવે લોકઅપમાં રહેલા તહોમતદાર સાથે તેના મિત્રોની સેલ્ફી વાયરલ થતાં પોલીસની કામગીરી અંગે અનેક શંકા, કુશંકા વહેતી થઇ હતી. આવા ગંભીર બનાવમાં પણ પોલીસની બેજવાબદારી બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી હતી. પોલીસવડા પરીક્ષિતા રાઠોડે જણાવ્યું હતું કે, આ ગંભીર બનાવમાં હાલમાં પ્રાથમિક તપાસ ઉપરી અધિકારીને સોંપવામાં આવી છે. આ બનાવમાં કોની જવાબદારી નક્કી થાય છે અને કોની  વિકેટ પડે છે તેવી ચર્ચાએ પોલીસ બેડાંમાં જોર પકડયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer