કચ્છના દરિયામાં નિયમોને નેવે મૂકીને બારાતુ માછીમારો માછીમારી કરતાં ડખો

ગાંધીધામ, તા. 27 : નવલખીથી કચ્છના મુંદરા સુધીના દરિયામાં કચ્છ બહારનાં ટ્રોલર બોટો દ્વારા સરકારી નિયમોને નેવે મૂકીને માછીમારી થઇ રહી છે આ અંગે પગલાં લેવા માંગ કરવામાં આવી છે.નવલખીથી મુંદરાના દરિયામાં જામનગર, સિક્કા અને સલાયાના અમુક માછીમારો ટ્રોલર બોટો લઇ આવીને માછીમારી કરે છે. દરિયાથી પાંચ નોટીકલ માઇલ દૂર માછીમારી કરવી, માછલી પકડવા ઓછામાં ઓછી 40 એમએમની નેટ વાપરવી વગેરે સરકારી નિયમોને નેવે મૂકીને આ માછીમારો દ્વારા માછીમારી કરાય છે. 50થી 60 ટ્રોલર બોટોમાં આવી રીતે માછીમારી કરાતાં સ્થાનિક માછીમારો બેકાર થઇ રહ્યા છે.આવી પ્રવૃત્તિના કારણે સ્થાનિક માછીમારોની જાળને પણ નુકસાન પહોંચે છે.મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને મરિન પોલીસ દ્વારા આવા તત્ત્વો વિરુદ્ધ કડક પગલાં નહીં લેવામાં આવે તો સ્થાનિક માછીમારો સાથે ધરણા પર બેસવાની ચીમકી  માછીમાર ઉત્કર્ષ મંડળના વિષ્ણુ મોરીએ આપી હતી. તેમણે જિલ્લા સમાહર્તા સહિતના અધિકારીઓને પત્ર પાઠવી આ અંગે યોગ્ય કરવા માંગ પણ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer