વીરા પાસે ચારો ભરેલો ટેમ્પો આગ લાગતાં ભસ્મીભૂત

ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના વીરા ગામ નજીક નદી પાસે માર્ગ ઉપર ચારો ભરેલા ટેમ્પોમાં આગ લાગતાં આ ચારો અને ટેમ્પો સળગીને ખાખ થયા હતા. આગના આ બનાવમાં કોઇ જાનહાનિ થઇ નહોતી.અંજાર તાલુકાના મેઘપર કુંભારડીની મેઘમાયા સોસાયટીમાં રહેતા ટેમ્પોચાલક શેરમામદ દિનમામદ રાયમા અને અન્ય મજૂરો વીરા ગામથી ચારો ભરી આદિપુર આવવા નીકળ્યા હતા. તેવામાં ગઇકાલે સાંજે આ બનાવ બન્યો હતો.પોલીસે જણાવ્યું હતું કે, ટેમ્પો નંબર જી.જે.-12 બી.વી. 9627માં 80 મણ ચારો ભરવામાં આવ્યો હતો. આ વાહન વીરા ગામની નદી પાસે મેટલ રોડ ઉપર પહોંચ્યું ત્યારે ઉપરથી પસાર થતી વીજલાઇનમાં અડી જતાં શોર્ટસર્કિટના કારણે નીરણમાં આગ લાગી હતી. આગનો ભડકો થતાં વાહનચાલક અને શ્રમિકો નીચે ઊતરી ગયા હતા. જોતજોતાંમાં આગે પકડ જમાવી લીધી હતી. અંજાર પાલિકાની અગ્નિશમન દળની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, પરંતુ તમામ ચારો અને ટેમ્પો સળગીને ખાખ થઇ ગયા હતા. ચારો અને ટેમ્પો સળગી જવાના આ બનાવમાં રૂા. 5,66,000ની નુકસાનીનો આંક પોલીસ મથકે લખાવાયો છે. જેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer