માધાપરની વીરાંગનાઓનું છત્તીસગઢમાં રાજનશ્રી સન્માન

માધાપરની વીરાંગનાઓનું છત્તીસગઢમાં રાજનશ્રી સન્માન
માધાપર (તા. ભુજ), તા. 20 : 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં ભુજના વિમાની મથકની મરંમત કરનારી માધાપરની વીરાંગનાઓની શૌર્ય ગાથાથી ભારત ગૌરવ અનુભવે છે. આ શૌર્ય ગાથાનું અભિનંદન કરવા માટે છતીસગઢ રાજ્યની પુણ્યભૂમિ ચંપારણ્યમાં સ્વ. વિનય સંચેતીની સ્મૃતિમાં 10 ફેબુ.ના સંત રાજન શર્મા અને ચંપારણ્ય તીર્થના પ્રમુખ કમલભાઇની ઉપસ્થિતિમાં માધાપરની વીરાંગનાઓને રાજનશ્રી સન્માન વલ્લભાચાર્ય જન્મભૂમિ ચંપારણ્યમાં અપાયું હતું. આ વર્ષનું રાજનશ્રી સન્માન મેળવનાર કાનબાઇ એસ. હીરાણી, સામબાઇ કે. ખોખાણી, પ્રેમબાઇ કે. હીરાણી, વાલબાઇ પીંડોરિયા, દેવબાઇ?હરસીયાણી, વાલબાઇ કે. હાલાઇને અપાયું હતું. આ વીરાંગનાઓની સાથે શાંતાબેન ખોખાણી અને જિજ્ઞાબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તો માધાપર સ્પોર્ટસ અને પાટ હનુમાનજી મંદિરના અધ્યક્ષ પ્રવીણભાઇ ખોખાણીને રાજનશ્રી સન્માન સમારોહ સમિતિના સદસ્યોનું સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. દેશભકત ગ્રુપે ગાંધી ચોક દુર્ગના ધ્વજવંદન તેમજ રાષ્ટ્રગીતના કાર્યક્રમમાં  આ વીરાંગનાઓ મુખ્ય અતિથિ રહ્યા હતા. દુર્ગ શહેરના  અલગ અલગ સામાજિક સંગઠનોના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં  શહેરીજનો દ્વારા જૂના બસ સ્ટેશનથી  ભારતમાતાના જયઘોષ સાથે કચ્છથી આવેલી વીરાંગનાઓને સન્માન સાથે ગાંધીચોક લાવવામાં આવ્યા હતા. દેશભક્તિ ગીતો વચ્ચે ધ્વજવંદન અને સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે સંજુ જૈન, જયકુમાર જૈન, શ્યામ શર્મા સહિત દેશભક્તિ ગ્રુપના સદસ્યોએ રાસની રમઝટ બોલાવી હતી. ગુજરાત ભવનમાં ગુર્જર ક્ષત્રિય ગુજરાતી સમાજ દુર્ગ દ્વારા તબીબી શિબિર યોજાયો હતો. સમાજના અધ્યક્ષ નારણભાઇ રાઠોડના નેતૃત્વમાં આયોજન કરાયું હતું. સાહિત્યકાર મહાવીરપ્રસાદ અગ્રવાલ તેમજ સોન બાઇરે દ્વારા 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની રોમાંચક જાણકારી વીરાંગનાઓ પાસેથી મેળવાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer