પુંઅરેશ્વરની જર્જરિત હાલતથી ભાવિકો દુ:ખી

પુંઅરેશ્વરની જર્જરિત હાલતથી ભાવિકો દુ:ખી
વિથોણ (તા. નખત્રાણા), તા. 20 : દાયકા પછી પણ પુંઅરેશ્વર મંદિરની હાલત જૈસે થે તેવી છે. ભુજ નખત્રાણા હાઈવે ઉપર આવેલા પૌરાણિક પુંઅરેશ્વર મંદિર દોઢ દાયકા પછી પણ પુરાતત્વ વિભાગની લક્ષ્મણરેખાના દાયરામાં જ અટવાયેલું છે.ભુજથી 34 કિ.મી.ના અંતરે આવેલું આ મંદિર લાખાડી સીમમાં આવેલું છે. દ્રવિડ અને નાગર શૈલીના ઘટકોને જોડતું આ મંદિર કચ્છના મંદિરોમાં જૂનામાં જૂનું મંદિર મનાય છે. દંતકથા પ્રમાણે ઇ.સ. નવમી સદીમાં બનેલું છે. તે વખતના નજીકના પદ્ધર ગઢના સ્થાપક રા' પુંઅરા રાજાએ બનાવેલું તેથી તેનું નામ પુંઅરેશ્વર પડયું. કહેવામાં આવે છે કે રા' પુંઅરા ભુજ તાલુકામાં આવેલા કેરા કોટના સ્થાપક લાખા ફુલાણીના ભત્રીજા હતા. તેમના કાકા લાખા ફુલાણીએ કેરા કોટમાં મંદિર બનાવેલું, પણ રા' પુંઅરાએ તે મંદિરમાં ખામી કાઢી તેથી રા' પુંઅરાના કાકા લાખા ફુલાણીએ તેમને કહેલું કે ખામી કાઢવી સહેલી છે. આવું મંદિર બનાવી જો. તેથી રા' પુંઅરા પોતાને સાચો સાબિત કરવા અહીં એવું ને એવું (કેરાકોટ) જેવું મંદિર બનાવેલું.2005માં મંદિરના નવનિર્માણ માટે રૂા. એકાવન લાખ એંસી હજારની રકમ ફાળવવામાં આવી હતી. 10 વર્ષ સુધી પુરાતત્વ વિભાગ દ્વારા મંદિરનું કામ ગોકલગાયની ગતિએ ચાલ્યું અને માત્ર એક ઢાંચો જ તૈયાર થયો છે. પાછલા બેથી ત્રણ વર્ષમાં પુરાતત્વ વિભાગનું કોઈ પણ આવ્યું નથી. ઉપરનો ભાગ અને નિજ મંદિરનો ભાગ હજુ પણ પડુંપડું છે. ભાવિકો હવે હતાશ બની ગયા છે. શિવરાત્રિ આવે એટલે મંદિર સમિતિ બળાપો ઠાલવે છે. મંદિરના અધૂરા કામની માહિતી અને શા માટે કામ રોકી દેવામાં આવ્યું છે તેની પૂરક વિગતો પણ સમિતિઓને મળતી નથી.અજાયબી સમા પૌરાણિક પુંઅરેશ્વર મંદિર સાથે લાખાડી, પલીવાડ, આણંદપર, મોરગર, સાંયરા, દેવપર યક્ષ, મંજલ, કલ્યાણપર અને વિથોણના ભાવિકો જોડાયેલા છે અને ભાવિકો એવું પણ કહે છે કે મંદિરને પુરાતત્વ વિભાગની લક્ષ્મણરેખાથી બાકાત કરે તો અનેક દાતાઓ પણ ગણતરીના દિવસોમાં નૂતન મંદિર નિર્માણ કરી શકે તેમ છે.  હાઈવે ઉપર હોવાથી બહારથી આવતા પ્રવાસીઓ અને શિવાલયથી આસ્થા ધરાવતા લોકો દર્શને આવે છે. પરંતુ મંદિરની જર્જરિત હાલત જોઈને કહે છે કે કચ્છના બેનમૂન વિકાસમાં આ પૌરાણિક મંદિરની હાલત એ વિકાસની અધૂરાશ છે. તેવું જણાવી રહ્યા છે.પુંઅરેશ્વર મંદિર સમિતિના જણાવ્યા મુજબ મંદિરનું પુન:નિર્માણ કાર્ય વહેલી તકે ચાલુ થવું જોઈએ. પુરાતત્વ વિભાગને ટકોર કરતાં પૂજારીએ કહ્યું કે મંદિરને હવે નવો ઓપ આપવો જરૂરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer