રિલાયન્સ પેટ્રોલપંપથી ટપકેશ્વરી મંદિર સુધી લાઇટો ઝળહળી

રિલાયન્સ પેટ્રોલપંપથી ટપકેશ્વરી મંદિર સુધી લાઇટો ઝળહળી
ભુજ, તા. 20 : શહેર સુધરાઇ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપથી હરિપર થઇ ટપકેશ્વરી મંદિર સુધી 20 લાખના ખર્ચે લાઇટો નાખી માર્ગ ઝળાંહળાં કરાયો હતો. ઉપરાંત 29 લાખના ખર્ચે ડી-સિલ્ટીંગ મશીનનું લોકાર્પણ કરાયું હતું. ભુજ સુધરાઇ દ્વારા રિલાયન્સ પેટ્રોલ પંપથી હરિપર તથા ત્યાંથી ટપકેશ્વરી મંદિર સુધી 20 લાખના ખર્ચે 90 પોલ પર લાઇટો નખાઇ હતી જેને  અગ્રણીઓના હસ્તે લોકાર્પિત કરાઇ હતી. આ ઉપરાંત 29 લાખના ખર્ચે ગટરના કામ માટે ખરીદાયેલા પાંચ ડી-સિલ્ટીંગ મશીનનું પણ પ્રતીક લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે બોર્ડર રેન્જ આઇ.જી. સુભાષભાઇ ત્રિવેદીએ કોઇપણ કાર્યની પ્રથમ પહેલ કરનારને લોકો હંમેશાં યાદ રાખે છે. ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યે હરિપર ગામને કનડતા પ્રશ્નોના નિકાલની શરૂઆત સાથે ઝડપી સુવિધા પૂરી પાડવાની નેમ વ્યક્ત કરી હતી. સુધરાઇ અધ્યક્ષ લતાબેન સોલંકીએ સેવાકાર્યો પર પ્રકાશ પાડ્યો હતો. કારોબારી ચેરમેન ભરત રાણાએ સુવિધાઓના વિસ્તાર વિશે જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં ડીવાય. એસ.પી. શ્રી દેસાઇ,  રોડલાઇટ શાખાના ચેરમેન મહિદીપાસિંહ જાડેજા, સેનિટેશન શાખાના ચેરમેન અશોક પટેલ,   સહદેવાસિંહ જાડેજા, કાસમ કુંભાર (ધાલાભાઇ), રજાક માંજોઠી, ગોદાવરીબેન ઠક્કર, રેશ્માબેન ઝવેરી, મુખ્ય અધિકારી નીતિન બોડાત સહિત મંચસ્થ રહ્યા હતા. શ્રીહરિ પાર્ક કોલોનીના રહેવાસીઓ દ્વારા અગ્રણીઓનું સન્માન કરાયું હતું. અલબત્ત, છેલ્લા લાંબા સમયથી ભાજપની અંદરો-અંદરનો ખટરાગ જાહેરમાં આવી જતી હોય છે ત્યારે ઉપરોકત કાર્યક્રમમાં પણ પ્રમુખ તથા કારોબારી ચેરમેન વચ્ચે પ્રોટોકોલને લઇને નારાજગી વ્યકત થઇ હતી. ઉપરાંત એક નગરસેવક દ્વારા ભાજપના અગ્રણીઓને લોકાર્પણ સમયે બાજુ પર આવી જવા જણાવતાં તેમણે ત્વરિત જ નારાજગી દેખાડી જો આમ અપમાન થતું હોય તો કાર્યક્રમમાં ઉપસ્થિત નહીં રહે તેવું જાહેરમાં જ જણાવી દીધું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer