પચ્છમના યુવાનોએ આગેવાનોને એક મંચ કર્યા

પચ્છમના યુવાનોએ આગેવાનોને એક મંચ કર્યા
ભુજ, તા. 20 : તાલુકાના સરહદી એવા પચ્છમ વિસ્તારમાં કાર્યરત પચ્છમ સંધી સમા યુવા ગ્રુપ દ્વારા યુવાનોને રમતગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે એવા શુભ આશયથી પ્રથમ વખત ક્રિકેટ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જો કે, આ ક્રિકેટ સ્પર્ધા સામાજિક મેળાવડો બનવાનું માધ્યમ બની હોય તેમ ક્રિકેટ મેચની ઉજવણી સાથે સામાજિક બાબતોની મુક્ત મને ચર્ચા-વિચારણા કરવા સાથે તેના ઉકેલ માટે જે કરી શકાય તે બાબતે સૌએ એક મંચ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સમાજના ઇતિહાસમાં આવો સંયોગ પ્રથમવાર સર્જાયો હોવાનું આગેવાનોએ જણાવ્યું હતું. પચ્છમ સંધી યુવા ગ્રુપના સભ્યોએ આ આયોજન દરમ્યાન સામાજિક પ્રશ્નો સંદર્ભે કરેલી ચર્ચા-વિચારણામાં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ બનાવવા, ગરીબ કન્યાઓ માટે સમૂહલગ્ન યોજવા, સમાજવાડીનું નિર્માણ કરવા, એમ્બ્યુલન્સની સુવિધા ઉપલબ્ધ કરવા, યુવાનો માટે રોજગારીની તકો ઉપલબ્ધ કરાવી ઉચ્ચ અભ્યાસ હેતુ માર્ગદર્શન આપવા સહિતને વણી લઇ તમામ પ્રશ્નોના નિરાકરણ માટે એક મંચ પર હાજર રહી સમાજના મોવડીઓએ માર્ગદર્શન આપ્યું હતું. સમાજ દ્વારા આવનારા સમયમાં આયોજિત શૈક્ષણિક કાર્યક્રમ માટે 2,16,000નું ફંડ એકત્ર કરાયું હતું. ઉપસ્થિત આગેવાનોએ સંધી સમાજના યુવાનોએ કરેલા આયોજન બદલ રાજીપો વ્યક્ત કરી આવનારા દિવસોમાં આથીય વધુ સારા આયોજનો થાય તેવી શુભેચ્છા પાઠવી હતી. સમા સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્ટમાં 12 ટીમોએ ભાગ લીધો હતો. ફાઇનલ મેચ માધાપર અને કોટડા (ખાવડા) ટીમ વચ્ચે રમાઇ હતી જેમાં કોટડા (ખાવડા)ની ટીમ ચેમ્પિયન બની હતી. વિજેતા અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને રોકડ ઇનામ અપાયું હતું. કાર્યક્રમમાં વિરમગામથી આવેલા કમરુદીન સમા, હબીબભાઇ સમા સહિત કચ્છના વિવિધ?વિસ્તારમાંથી સમાજના આગેવાનો તેમજ હાજી આદમ ચાકી, અખિલ કચ્છ મુસ્લિમ હિતરક્ષક સમિતિના ઇબ્રાહીમ હાલેપોત્રા, યુવા રાજપૂત સમાજના પ્રમુખ હઠુભા જાડેજા, હાજી આમધ કુંભાર, વસાયા ભીયાં, નોડે અદ્રેમાન, સાલમ સુમરા, મુસા રાયશી, રમજાન હાલેપોત્રા, મીરાસા મુતવા, હીરા ભીમા, મીઠુ જીવા આહીર સહિત પચ્છમ વિસ્તાર અને સમા સમાજના આગેવાનો, સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતના સદસ્યો હાજર રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરીમ સમા, આભારવિધિ ઉમર સમાએ કરી હતી. ક્રિકેટ મેચના કોમેન્ટેટર તરીકે મીર મામદ સમા, અમીન સમા અને ગની કુંભાર રહ્યા હતા. આયોજનને સફળ બનાવવા પચ્છમ સંધી સમા યુવા ગ્રુપના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer