છાત્રો મહેનતથી આગળ વધી વિકાસમાં ફાળો આપે

છાત્રો મહેનતથી આગળ વધી વિકાસમાં ફાળો આપે
કેરા, તા. 20 : અહીંની એચ.જે.ડી. ઈન્સ્ટિટયૂટ હાલ દસ વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. જેની ઉજવણીના ભાગરૂપે પ્રથમ એલ્યુમની મીટ અને સાંજે છઠ્ઠા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એલ્યુમની મીટમાં એન્જિનીયરિંગ કોલેજના 2014થી 2019ની બેચના વિદ્યાર્થીઓ જોડાયા હતા.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરી ઈન્સ્ટિટયૂટ કોઓર્ડિનેટર ડો. રસીલા હીરાણીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓ દ્વારા તેમના કોલેજ જીવન બાદના વ્યાવસાયિક કારકિર્દીના અનુભવો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ વિદેશમાં રહેતા વિદ્યાર્થીઓ તેમના અનુભવો વીડિયો મારફતે રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓને સંસ્થા દ્વારા પ્રતીક ભેટ આપવામાં આવી હતી. નીરવ કટારમલે એલ્યુમની મીટ કાર્યક્રમના અંતે આભારવિધિ કરી હતી. પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ તરીકે રાજ્યમંત્રી વાસણભાઈ આહીર, બ્રિગેડિયર સંજીવ દત્ત, સેના મેડલ અને ભુજ ચેમ્બર ઓફ કોમર્સના અધ્યક્ષ રાજેશ ભટ્ટ, સંસ્થાના ચેરમેન ડો. જગદીશ હાલાઈ, વાઈસ ચેરપર્સન કાંતાબેન હાલાઈ હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆતમાં એન.સી.સી. કેડેટ્સ દ્વારા માર્ચપાસ્ટ કરવામાં આવી હતી. જેમાં અતિથિઓ, સંસ્થાના ચેરમેન, સમગ્ર મેનેજમેન્ટ ટીમ તથા કોલેજના તેજસ્વી તારલાઓ સામેલ થયા હતા.એચ.જે.ડી. એન્જિનીયરિંગ કોલેજના હેડ ઓફ એન્જિનીયરિંગ વિશાલ ભીમાણીએ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું. શ્રી આહીરે વિદ્યાર્થીઓને સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી મહેનત કરતા રહેવા અને દેશના વિકાસમાં ફાળો આપવા પ્રોત્સાહિત કર્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મેકેનિકલ, સિવિલ, ઈલેક્ટ્રીકલ અને કોમ્પ્યુટર એન્જિનીયરિંગ વિભાગના 185 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. ત્યારબાદ કલ્ચરલ કમિટી દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પદવીદાન સમારંભના અંતમાં ઘનશ્યામ સોનીએ મહેમાનો અને ઉપસ્થિત વાલીગણનો આભાર વ્યક્ત કર્યો હતો. એલ્યુમની કમિટી, ઈન્સ્ટિટયૂટ કોઓર્ડિનેટર ડો. રસીલા હીરાણી, દરેક વિભાગના વડા તેમજ સર્વે સ્ટાફગણે સહયોગ આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer