હોંગકોંગના એ જહાજને જવા દેવા કંડલા કસ્ટમની લીલીઝંડી

ગાંધીધામ, તા. 20 : ચાલુ મહિનાની શરૂઆતમાં હોંગકોંગથી દીનદયાળ બંદરે આવેલા એક જહાજમાં મિસાઇલ કે અણુશત્રને લગતો ભાગ જણાતાં કંડલા કસ્ટમે આ જહાજને અટકાવ્યું હતું. દિવસો સુધી જેટી ઉપર જ રહેલા જહાજમાંથી અંતે એ શંકાસ્પદ જણાતો કાર્ગો ઉતારી લેવાયા બાદ હવે આજે જહાજને જવા દેવા મંજૂરી અપાઇ હતી.અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કસ્ટમ બાદ બંદર પ્રશાસને પણ મંજૂરી આપતાં આ જહાજ સીયુઆઇયુન રાત્રે 9 વાગ્યે સેઇલ કરે તેવી શક્યતા છે. દરમ્યાન, જહાજમાં શંકાસ્પદ જણાયેલા અને અનડિક્લેર 88 ટન વજનના સિલિન્ડર આકારના કાર્ગોને ડી.આર.ડી.ઓ.ના પ્રતિનિધિઓએ બે વખત નિરીક્ષણ કર્યા બાદ જહાજમાંથી ઊતરાવીને ડી.પી.ટી.ને સોંપી દેવાયો હતો.બંદર પ્રશાસનના ગોડાઉનમાં તેને રખાયા બાદ હવે તમામ એજન્સી ચુપકીદી સેવી રહી છે. વર્ષ 2005માં હેવી મેટલ ક્રેપ સાથે આ બંદરે આવી ગયેલી યુદ્ધ સામગ્રી, સેલ-રોકેટ?વગેરેનો જથ્થો ત્યારથી બંદરના 12 નંબરના ગોદામમાં ખડકાયેલો જ છે, ત્યાં હવે આ નવો કાર્ગો સંગ્રહાતાં બંદરનું જોખમ વધ્યું હોવાનું સૂત્રો કહે છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer