ટ્રમ્પ બંદોબસ્ત : કચ્છના પોલીસ મથકો ખાલીખમ

ભુજ, તા. 20 : પૂર્વ અને પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લામાં ફરજ બજાવતા મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ શ્રી ટ્રમ્પના બંદોબસ્ત માટે અમદાવાદ મોકલી અપાતાં જિલ્લાના મોટાભાગના પોલીસ મથકો ખાલીખમ જેવાં ભાસી રહયાં છે. તો કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ક્ષેત્રે વ્યાપક પ્રશ્નો પણ ઊભા થઇ રહયા છે. બહાર આવેલી વિગતો અનુસાર અમદાવાદ ખાતે શ્રી ટ્રમ્પ માટે ઊભી કરાયેલી સલામતી વ્યવસ્થા ઉપરાંત પાટણ ખાતેના અન્ય એક કાર્યક્રમને લઇને આ બન્ને સ્થળે કચ્છથી પોલીસનો મોટો કાફલો મોકલાયો છે. જેના લીધે અત્યારે કચ્છના વિવિધ પોલીસ મથકમાં એકલદોકલ સિવાય સ્ટાફ જોવા ન મળે તેવી હાલત સર્જાઇ છે. બંદોબસ્તમાં મોકલાયેલા કાફલાને લઇને પોલીસદળની રોજિંદી કાર્યવાહી જેવી કે નાઇટ પેટ્રોલિંગ, ટ્રાફિક વ્યવસ્થા વગેરે ઉપર પણ અસર જોવા મળી રહી છે. કયાંક કયાંક તો ફરિયાદ નોંધવા કે પ્રાથમિક તપાસ કરવા પણ સ્ટાફ સદસ્ય ન હોવાની વિગતો જાણવા મળી હતી. આજે પૂર્વ કચ્છમાં એક મંદિર ચોરીના કેસમાં આવો જ સિનારીયો જોવા મળ્યો હતો.દરમ્યાન સ્ટાફના અભાવે રાત્રિની રખેવાળી કરવાની કાર્યવાહી પણ ઢીલી પડતાં તેનો જાણે તસ્કરો લાભ લઇ રહયા હોય તેમ બંદોબસ્તના આ દિવસો દરમ્યાન ઘરફોડ સહિતની ચોરીઓના બનાવ પણ બની ચૂકયા હોવાનું બહાર આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ બંદોબસ્ત માટે કચ્છમાંથી કોન્સ્ટેબલથી લઇને એસ.પી. કક્ષાના અધિકારીઓને મોકલવામાં આવ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer