અમેરિકી કોર્ટનો કચ્છના માછીમારોને ઝટકો

મુંદરા, તા. 20 : તાલુકાના ટુંડા ગામ સ્થિત કાર્યરત સી.જી.પી.એલ. (ટાટા પાવર) કંપનીને નાણાકીય મદદ કરનાર વિશ્વબેંક નિયમોના પરિઘમાં આવતી નથી તેવા મુદ્દે અમેરિકાની વડી અદાલતમાં દાવો દાખલ કરીને ત્રગડીના માછીમાર જામ બુઢા ઇસ્માઇલે દાદ માગતાં અમેરિકાની સર્વોચ્ચ અદાલતે પોતાની તરફેણમાં અને ટાટા કંપનીને ફન્ડિંગ કરનાર આઇ.એફ.સી. (ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશન)ની વિરુદ્ધમાં ચુકાદો મેળવવામાં જે તે વખતે સફળતા મેળવી હતી અને બુઢા ઇસ્માઇલ વિરુદ્ધ આઇ.એફ.સી.ના આ દાવાએ અને તેના ચુકાદાએ ભારત જ નહીં પણ સમગ્ર વિશ્વમાં ચકચાર જગાવી હતી.ચુકાદાથી નારાજ થઇને ટાટા પાવરે અમેરિકાની નીચલી કોર્ટ-સર્કિટ કોર્ટમાં અમેરિકાના સુપ્રીમ કોર્ટના ચુકાદાને પડકાર્યો હતો, જેમાં સી.જી.પી.એલ. એટલે કે ટાટા પાવર કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે કે આઇ.એફ.સી. વિશ્વબેંક કાયદાકીય રીતે રક્ષિત છે. આમ, મૂળ અરજદારો વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. સમગ્ર ઘટનામાં ચાવીરૂપ ભૂમિકા ભજવનારા અને અમેરિકાની પર્યાવરણના મુદ્દે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ મેળવનારા ભરતભાઇ પટેલે ફોન ઉપર માહિતી આપતાં જણાવ્યું કે, અમેરિકાની સર્કિટ કોર્ટનો ચુકાદો અમારી વિરુદ્ધ આવ્યો છે, જેને ત્યાંની (અમેરિકા) ફેડરલ કોર્ટમાં પડકારવામાં આવશે. વિશ્વબેંક કાયદાકીય રક્ષિત નથી એ વાત છેવટે તો અમેરિકાની સુપ્રીમ કોર્ટ પણ સ્વીકારશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. મૂળ મુદ્દામાં જ વિશ્વબેંકની નાણાકીય સહાયથી આયાતી કોલસા આધારિત ચાર હજાર મેગાવોટનું વીજમથક ખડું કરવામાં આવ્યું હતું. આ વીજમથકથી પર્યાવરણ અને ખાસ કરીને પરંપરાગત માછીમારીના વ્યવસાયને હાનિ પહોંચતાં તેનો વિવાદ ઊભો થયો હતો અને બુઢા ઇસ્માઇલ તથા અન્ય છ વ્યક્તિઓએ સાથે મળીને વિશ્વબેંકને જ ઠપકારી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer