કચ્છ અને મોરબીની અટકેલી પર્યાવરણ મંજૂરીઓ તુરંતમાં

ગાંધીધામ, તા. 20 : દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ હસ્તકની વિવિધ યોજનાથી લઈને ગુજરાતમાં અનેક પ્રોજેક્ટ પર્યાવરણ મંજૂરીને લઈને અટકી પડયા હોવાની રજૂઆતને પગલે કેન્દ્રીય પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે આ કચ્છ અને મોરબી જિલ્લાઓમાં પર્યાવરણ મંજૂરીઓ તરતમાં અપાશે તેવી માહિતી આપી છે. કેન્દ્રીય શિપિંગ મંત્રી મનસુખભાઈ માંડવિયાને લખેલા પત્રમાં શ્રી જાવડેકરે જણાવ્યું છે કે, કચ્છ અને મોરબી જિલ્લાના સીઆરઝેડ મેપને લઈને દીનદયાળ પોર્ટ ટ્રસ્ટની મંજૂરીઓ હજુ પડતર છે. કચ્છ અને મોરબીનું મેપિંગ તૈયાર થયું છે, જેને રાષ્ટ્રીય કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઓથોરિટીએ તાજેતરની બેઠકમાં બહાલ રાખ્યું છે. કચ્છ અને મોરબી જિલ્લાની તમામ પડતર પર્યાવરણ મંજૂરીઓ તત્કાળ આપી દેવા જણાવાયું છે.તેથી હવે તે તુરંતમાં મળવા માંડશે તેવું પત્રમાં પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે. અત્રે નોંધવું જરૂરી છે કે, ડીપીટીના લેબર ટ્રસ્ટી મનોહર બેલાણીએ આ અંગે કેન્દ્રમાં રજૂઆત કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer