ગાંધીધામ સંકુલમાં મહાશિવરાત્રિની વિવિધ સ્થળે ભાવથી ઉજવણી થશે

ગાંધીધામ,તા 20 : મહાશિવરાત્રિ નિમિતે ગાંધીધામ આદિપુરમાં વિવિધ શિવાલયોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાયું છે.  જયારે ટંકારા ખાતે યોજાનારા ઋષિ બોધોત્સવમાં ભાગ લેવા માટે આર્યસમાજ દ્વારા ગાંધીધામથી વ્યવસ્થા કરવામાં આવી છે.મહર્ષી દયાનંદ સરસ્વતીની જન્મભુમી ટંકારા ખાતે આગામી તા 19 થી તા. 21 દરમ્યાન ઋષિ બોધોત્સવ યોજાશે. આ અંતર્ગત વિદ્વત સભા, ભજન સંધ્યા, બાળસભા, સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. ડીએવી કોલેજ સંચાલન સમિતિના પ્રધાન પૂનમ સુરી, ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રત, સ્વામી આર્યેશાનંદ સરસ્વતી, સાંસદ મોહન કુંડારીયા, વિગેરે હાજર રહેશે. આ સમારોહમાં ભાગ લેવા માટે ગાંધીધામથી ઋષિ ભક્તોની એક ટુકડી તા. 21 ફેબ્રુઆરીના સવારે 5.30 વાગ્યે ગાંધીધામથી રવાના થશે. ટુકડીમાં જોડાવા ઈચ્છુક ભાઈ બહેનોની ટંકારા જવા આવવાની નિ:શુલ્ક વ્યવસ્થા આર્યસમાજ ગાંધીધામ દ્વારા કરવામાં આવી છે. ઈચ્છુક ભક્તોએ  આર્યસમાજ ઝંડાચોક ખાતે  (ફોન નં : 02836 231223) ખાતે સંપર્ક કરવા  અધ્યક્ષ વાચોનિધિ આર્યએ જણાવ્યું હતું.ગાંધીધામમાં સુભાષ નગર ખાતે વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે મહાશિવરાત્રિના સવારની આરતી, પૂજા બપોરે આરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું છે. મહંત ચંદુભાઈ હરિભાઈ માતંગના માર્ગદર્શન તળે ઉજવણી કરાશે. આદિપુરમાં વોર્ડ ર-બી આશાપુરા મંદિર ખાતે વિશ્વેશ્વર મહાદેવ મંદિરના 19માં પાટોત્સવની આગામી તા. 20ના ગુરૂવારે ઉજવણી કરાશે. સવારે 8 વાગ્યે હવન અને બપોરે 12.30 વાગ્યે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો યોજાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer