તમાકુ નિયંત્રણ માટે 1900 કર્મચારી તાલીમબદ્ધ

ભુજ, તા. 20 : કેન્સરના વિકરાળ પંજાને રોકવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા બિમારી નહીં પરંતુ સુખાકારી વેલનેસ માટે માહિતી શિક્ષણ દ્વારા જાગરૂકતા અભિયાન હાથ ધરાય છે. કચ્છ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા દરેક તાલુકામાં ચાલુ વર્ષમાં તમાકુ નિયંત્રણ માટે તાલીમ અપાઇ હતી. મેડિકલ અને પેરા મેડિકલ સ્ટાફ ઉપરાંત આશા બહેનો મળી 1934 લોકોને તમાકુથી થતી બિમારીઓ વિશે જાગરૂકતા અપાઇ જ્યારે સરકારી અને ખાનગી શાળા-કોલેજોમાં પણ તમાકુ નિયંત્રણ જાગૃતિ માટે ચાલુ વર્ષમાં 67 શાળામાં 12386 વિદ્યાર્થીઓને બીડી, સિગારેટ, ખૈની, ગુટખા, ઝર્દા, પાન-મસાલા વગેરે તમાકુથી થતી ઘાતક બિમારીઓ અંગે માર્ગદર્શન અપાયું હતું. ખાસ કરીને ઘર અથવા કાર્ય સ્થળે વ્યક્તિ પોતે ધૂમ્રપાન નથી કરતી પરંતુ તેની આજુબાજુની વ્યક્તિના ધૂમ્રપાનના ધુમાડાના સંસર્ગથી રોગ થવાનું જોખમ વધી જાય છે. શિશુઓને તેમના જીવન દરમ્યાન સગર્ભા માતા દ્વારા અથવા પરોક્ષ?ધૂમ્રપાનના સંસર્ગને લીધે ફેફસાંનો ધીમો વિકાસ અને કાર્ય શક્તિમાં ઘટાડો જોવા મળે છે અને તેમને દમની શરૂઆત અથવા તકલીફમાં વધારો, ન્યુમોનિયા, બ્રોન્કાઇટીસ અને છાતીમાં વારંવાર કફનો ચેપ થાય છે. વિશ્વભરમાં પરોક્ષ ધૂમ્રપાનના સંસર્ગથી એક કરોડ 65 લાખ બાળકોનાં મૃત્યુ પાંચ વર્ષની વય પહેલાં થાય છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે જણાવ્યું હતું કે, શાળાઓની આસપાસની 100 વારની ત્રિજ્યાની અંદર કોઇ વ્યક્તિ તમાકુનું સેવન કરી પણ ના શકે અને વેચાણ પણ ના કરી શકે. આ માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા, પોલીસ વિભાગ, ફૂડ એન્ડ ડ્રગ્સ, ગુજરાત એસ.ટી. તંત્ર, ખેતીવાડી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ તંત્ર દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરાય છે જેમાં કોપ્પા-2003 કાયદા અંતર્ગત કાર્યવાહી કરાય છે. ખાસ નોંધનીય છે કે, કચ્છના ગાંધીધામ તાલુકામાં જૈન અજરામર શાળાની અંદર `યલો લાઇન કેમ્પેન'ની શરૂઆત કરાઇ છે જેમાં શાળાની 100 વારની ત્રિજ્યામાં એક પીળા રંગનો પટ્ટો લગાડવામાં આવે છે તેની અંદર કોઇપણ વ્યક્તિ ધૂમ્રપાન કરી ના શકે અને વેચાણ પણ ના કરી?શકે તેવું રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના મનોચિકિત્સક દેવાયત બકુએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer