સગીર પુત્ર કાર શીખતો શીખે પણ અનેકને નુકસાન અને જીવ તાળવે

ભુજ, તા. 20 : શહેરનાં સંસ્કારનગરની સાંકડી ગલીમાં 15 વર્ષનો બાળક કાર શીખી રહ્યો હતો અને અચાનક એણે કાબૂ ગુમાવતાં કારે 100 કિ.મી.ની ઝડપે ગલીમાંના અનેક વાહનેને હાનિ પહોંચાડી. સદ્નસીબે થોડી ક્ષણો પૂર્વે જ આ જગ્યાએ રમતા બાળકો છૂટા પડયા હતા. આમ મોટી દુર્ઘટના થતી રહી ગઇ હતી. બુધવારે ઘટેલી આ ઘટનાએ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ટોક ઓફથી ટાઉન બની છે. સંસ્કારનગર ની સાંકડી ગલીમાં રહેતા એક વાલીએ પોતાના 15 વર્ષના બાળકને કાર શીખવવા ડ્રાઇવર સીટ પર બેસાડી પોતે બાજુમાં બેઠા હતા અને સંભવત: બ્રેકના બદલે એકસીલેટર પર પગ આવી જતાં કાર એકાએક પૂરપાટ 100 કિ.મી.ને ઝડપે દોડી હતી. તેથી સામે ગલીમાંના ત્રણથી ચાર વાહનોને હજારોનું નુકસાન પહોંચ્યું સાથોસાથ ખુદ દોડતી કારને ભારે હાનિ પહોંચી હતી. નોંધનીય છે કે, સદ્નસીબે થોડી ક્ષણો પૂર્વે આ જ સ્થળે બાળકો રમીને ઘરમાં ગયા હતા ને આ બનાવ બન્યો હતો. જેથી જાનહાનિ ટળી હતી.આ બનાવ બાદ જે વાહનોને નુકસાન થયું હતું તેની ભરપાઇ કરી આપવાની ખાતરી મળતાં અને પડોશીના નાતે હતભાગીઓએ કાર્યવાહી કરવાનું ટાળ્યું હતું.નાના બાળકોને કાર શીખવવાનો અભરખો ભારે પડી શકે છે તેથી દરેક વાલીએ આ બનાવમાંથી બોધ લેવો  આવશ્યક છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer