ભુજના હંગામી બસ સ્ટેશનમાં કુંભમેળો હોય એવા અવાજે કરાતી ઘોષણાઓથી રહીશો ત્રસ્ત

ભુજ, તા. 20 : મધ્યસ્થ બસ સ્ટેશનને અદ્યતન સ્વરૂપે નવનિર્મિત કરવાનું કામ ચાલી રહ્યું છે ત્યારે હંગામી બસ સ્ટેશન ગાયત્રી મંદિર રોડ નજીક શરૂ થયા પછી આસપાસના રહેવાસીઓની દિવસની શાંતિ અને રાતની ઊંઘ હરામ થઇ ગઇ છે.તેમાંય વહેલી પરોઢથી બિનજરૂરી હોવા છતાં મોટા અવાજે લાઉડ સ્પીકરમાં બસ અંગેની સૂચનાઓ શરૂ થઇ જતાં લોકોને રહેવું ભારે થઇ પડયું છે. આસપાસના રહેવાસીઓ અગાઉ પણ વિભાગીય નિયામકને રજૂઆત કરી ચૂક્યા છે. એ પછી થોડો સમય શાંતિ રહી હતી પણ છેલ્લા કેટલાક મહિનાઓથી લાઉડ સ્પીકરનો ત્રાસ બેહદ વધી જતાં રહેવાસીઓએ આ અંગે કલેક્ટર અને પોલીસમાં રજૂઆતનું નક્કી કર્યું છે. લોકોએ જણાવ્યું હતું કે, અત્યારે પરીક્ષાનો સમય છે. માસ્ટર્સ ડિગ્રીની પરીક્ષા શરૂ થઇ ચૂકી છે. થોડા દિવસમાં ધો. 10-12ની બોર્ડ પરીક્ષા આવશે. પ્રાથમિક-માધ્યમિક ધોરણો અને કોલેજની પરીક્ષાઓનીય સિઝન છે. છાત્રો વહેલી પરોઢે ઊઠીને વાંચવાનું પસંદ કરતા હોય છે પરંતુ હંગામી બસ સ્ટેશનને લીધે એ શાંતિ છીનવાઇ ચૂકી છે. લોકો કલેક્ટરને એ રજૂઆત કરવાના છે કે સૂર્યોદય ન થયો હોય ત્યારથી લઇને મોડી રાત સુધી લાઉડ સ્પીકરમાં શ્વાસ લીધા વગર લગાતાર બસ અંગેની સૂચનાઓ આપવી જરૂરી  છે  ખરી ? બસ સ્ટેશનમાં વિવિધ રુટને લગતા બોર્ડ લખેલા છે અને મોટા ભાગના નિયમિત પ્રવાસી હોય છે તેમને બસનો સમય અને ક્યાં ઊભી છે એની જાણ હોય છે. આજના ઓનલાઇનના જમાનામાં જૂની લઢણ બંધ શા માટે નથી કરાતી ? વળી આખો દિવસ પ્રવાસીઓની ગિર્દી પણ નથી હોતી. આને બદલે પૂછપરછમાં કર્મચારી વધારી નાખીને પ્રવાસીઓને રૂબરૂ માહિતી અપાય એ વધુ યોગ્ય છે. એસ.ટી. તંત્ર દ્વારા આ રજૂઆત અંગે કોઇ રાહત ન મળે તો છાત્રોના વાલીઓ મોરચો લઇ જવા અને જરૂર પડયે બસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી જવા વિચારી રહ્યા હોવાનું રહેવાસીઓએ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer