ગાંધીધામ સંકુલમાં આજથી માતૃભાષા દિવસની ઉજવણી

ગાંધીધામ, તા 20 : માતૃભાષા અભિયાન અમદાવાદ દ્વારા ગાંધીધામ ખાતે પુસ્તક પરબનું આયોજન કરાય છે. અહીં પરબનું આયોજન કરતી ટીમ દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત સંકુલની શાળાઓમાં  વાંચનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. યુનેસ્કો દ્વારા 21 ફેબ્રુઆરીના માતૃભાષા દિવસની ઉજવણી કરાય છે. વિશ્વમાં વિવિધ ભાષાઓ અને સંસ્કૃતિનો વિકાસ થાય અને બહુભાષિતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસનું મહત્ત્વ છે. પુસ્તક પરબ ગાંધીધામ દ્વારા ફેબ્રુઆરી 2020 સુધીમાં 64 નિ:શુલ્ક પરબનું આયોજન કરવામાં આવ્યું છે અને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના પુસ્તકોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું છે.માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત આવતીકાલે તા. 21 ફેબ્રુઆરીથી તા. 27 ફેબ્રુઆરી સુધી ગાંધીધામ, આદિપુરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓને વાંચન કરાવવામાં આવશે અને માતૃભાષાના મહત્ત્વ   વિશે અવગત કરાવાશે. આયોજનને પાર પાડવા પરબના સભ્યો સહયોગી બની રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer