ગાંધીધામમાં મંદિરમાં ઘૂસી રોકડ તફડાવી

ગાંધીધામ, તા. 20 : શહેરના સુભાષનગર નજીક આવેલા 9 એ-ઇ વિસ્તારમાં ડી.એન.વી. કોલેજ સામે હનુમાન મંદિરના તાળાં તોડી દાનપેટીમાંથી નિશાચરોએ રોકડ રકમની ચોરી કરી હતી તેમજ બહાર જઇ આ દાનપેટીને સળગાવી નાખી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ કરાઇ હતી પરંતુ પોલીસનો ચોપડો કોરો રહ્યો હતો. શહેરના 9 એ-ઇ વિસ્તારમાં ડી.એન.વી. કોલેજ સામે આવેલા આદર્શ હનુમાન મંદિરમાં નિશાચરોએ હાથ માર્યો હતો. આ મંદિરના પરિસરમાં આવેલી ઓરડીમાં પૂજારી સૂતા હતા ત્યારે પ્રાંગણના ગેઇટનું તાળું તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા. આ શખ્સોએ મંદિરના દરવાજાના તાળાં તોડી અંદર જઇ અંદરથી દાનપેટી ઉપાડી લીધી હતી. કોઇ સાધન વડે તાળાં તોડી આ શખ્સો દાનપેટીને પ્રાંગણમાંથી બહાર લઇ આવ્યા હતા, જ્યાં દાનપેટી તોડી તેમાંથી રૂપિયાની ચોરી કરી હતી.બાદમાં ડી.એન.વી. કોલેજ પાસેના માર્ગ ઉપર ચડયા હતા, જ્યાં કોલેજના નાના દરવાજા પાસે ઊભા રહી તમામ રકમ સેરવી લઇ બાદમાં પેટીને સળગાવી નાખી હતી. સવારે પૂજારી જાગતાં ચોરીનો આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લે 4-5 મહિનાથી દાનપેટી ખોલવામાં આવી નથી તેમજ હાલમાં 3-4 મોટા કાર્યક્રમો થયા છે, જેમાં દાનપુણ્ય ખૂબ આવ્યું છે. આ પેટીમાં આશરે 20થી 25 હજાર રોકડા હોવાનું લોકોએ જણાવ્યું હતું. આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરાઇ હતી એટલે પોલીસ આવી હતી અને કોલેજમાં લાગેલા સી.સી. ટી.વી.ના ફૂટેજની પણ તપાસ કરી હતી પરંતુ પાલિકાની સ્ટ્રીટ લાઇટ (દીવાબત્તી) બંધ હોવાથી તેમાં કાંઇ સ્પષ્ટ દેખાતું નથી. આ વેળાએ લોકોએ સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવા પણ પાલિકામાં માંગ કરી હતી. ચોરીનો આ બનાવ મોડેક સુધી પોલીસના ચોપડે ચડયો ન હતો. મંદિરમાં ચોરીના આ બનાવથી હરિભક્તોમાં ભારે રોષની લાગણી પ્રસરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer