ચાર કંપનીને ખોટું કરવા બદલ દોઢ કરોડનો દંડ છતાં લખપત તા.માં પવનચક્કીઓ અવિરત

દયાપર (તા. લખપત), તા. 20 : લખપત તાલુકામાં પવનચક્કીઓની બેફામ દાદાગીરી વચ્ચે ખાણ ખનિજ ખાતાએ દોઢ કરોડનો ગેરકાયદેસર ખનિજ ચોરીનો દંડ ફટકાર્યો છે, પરંતુ કંપનીઓના કામ રાબેતા મુજબ ચાલુ છે. નાની વિરાણીના ગામલોકોએ પવનચક્કી વિરુદ્ધ મામલતદાર કચેરીમાં રજૂઆત કર્યા પછી પણ કોઇ પગલાં ભરાયાં નથી. તંત્ર કહે છે બધું કાયદેસર છે. તો ખાણ ખનિજનો દંડ શા માટે ? બંને સરકારી કચેરીઓમાં  વિરોધાભાસ શા માટે થાય છે ? ખાણ ખનિજ ખાતા દ્વારા તા. 15/2/20ના કારણદર્શક નોટિસ નં. 925થી અદાણી ગ્રીન એનર્જી લી.ને જણાવાયું છે કે, લખપત તા.ના મેઘપર જૂથ ગ્રા.પં.ના જુણાચય, અમીયા અને હરોડા ગામની પવનચક્કીઓ માટે તથા વાલ્કા વિસ્તાર માટે ગેરકાયદેસર રસ્તા બનાવવા માટે 1687.23 મે. ટન હાર્ડ મોરમ, 9436.66 મે. ટન સાદી રેતી વાપરેલ છે. અલગ અલગ જગ્યાએથી કુલ 1687.23 મે. ટન હાર્ડ મોરમ, પ્લાન્ટ વિસ્તારમાં કુલ 621.03 મે. ટન  સાદી રેતી સહિત કુલ 11663.79 મે. ટન સાદી રેતી તેમજ 9436.66 મે ટન સાદી માટી ખનિજનું ગેરકાયદેસર ખોદકામ, હેરફેરથી નિયમ 2017 પ્રમાણે નિયમ 3,4 (7) તથા 10નો ભંગ થયો હોવાનું ફલિત થાય છે. ફોજદારી કર્યા પહેલાં દંડ ભરાય તો ગુનાની માંડવાળ કરી શકાશે તે અર્થે દંડકીય રકમ તથા પર્યાવરણ નુકસાનીની વળતર રકમ કુલ 79,36,956 ભરવા નોટિસ અપાઇ છે.આઇનોક્ષ વિન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સર્વિસ લી.ને  પણ રોજકામ કર્યા પછી માતાનામઢ-પાલેલી વિસ્તારમાં કુલ 7614.45 મે. ટન હાર્ડ મોરમ 18900.86 મે. ટન સાદી રેતીની ખનિજ ચોરી બાબતે કુલ 70,79,472નો દંડ ફટકારાયો છે. આલ્ફાનાર એનર્જી પ્રા.લિ.ને જુણાચાય વિસ્તારમાં ગેરકાયદેસર ખનિજ ઉત્ખનન બાબતે કુલ 1946.68 મે. ટન સાદી રેતી તેમજ અન્ય ખનિજ ચોરી અંગે 4,80,343/-ની રકમનો દંડ ફટકાર્યો છે.સિમેન્સ ગામેશા રીન્યુએબલ એનર્જી પ્રા.લિ.ને જુણાચય વિસ્તારમાં  503.59 સાદી રેતી પર્યાવરણ નુકસાની વળતર પેટે મળી કુલ 1,70,415નો દંડ ફટકાર્યો છે. આમ આ ચાર કંપનીઓને કુલ 1,56,77,186ની રકમ ખનિજ ચોરી બદલ દંડ સ્વરૂપે ફટકારાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ બધી કાર્યવાહી સેટેલાઇટ જી.પી.એસ. સિસ્ટમના આધારે કરાઇ છે. અને દંડ ભરવાની તક અપાઇ છે. અન્યથા ફોજદારી કાર્યવાહી માટે પણ?નોટિસમાં ઉલ્લેખ કરાયો છે.પવનચક્કીઓના ગમે તેટલા વિરોધ થાય તેને કાંઇ પીવાનું નથી. તંત્ર કહે છે બધું કાયદેસર ચાલે છે. હાલમાં જ નાનીવિરાણીના ગ્રામજનો મામલતદાર કચેરીમાં  આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત કરી હતી કે, ગૌચર જમીનમાં પવનચક્કી નખાઇ છે. નજીકમાં જ ઇક્કો સેન્સિટિવ ઝોન છે, છતાંપવનચક્કીવાળાઓએ અમુક આગેવાનોને રાજી કરી સહીઓ લઇ કામ ચાલુ કરી દીધું છે.નાના પશુપાલકોને  મુશ્કેલી છે તેનું કોઇ સાંભળતું નથી.અલગ અલગ ગામોમાં વિરોધ હોવા છતાં પવનચક્કીના કામને કોઇપણ રોકી શકતું નથી. મુખ્ય આગેવાનોને રાજી કરી કંપનીઓ પર્યાવરણનો દાટ વાળી રહી છે તેવી ફરિયાદ ઊઠી છે.આ ખનિજ ચોરી અંગે મેઘપરના જાગૃત નાગરિક રમેશભાઇ બલિયાએ રજૂઆતો વારંવાર કર્યા પછી કંપનીઓને ખનિજ ચોરીના દંડ બાબતે નોટિસો અપાઇ છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer