ગેરકાયદે જોડાણ માટે પડાયેલા કાણાં થકી બારેક લાખ લિટર પાણીનો વેડફાટ

ભુજ, તા. 20 : તાલુકાના બન્ની વિસ્તારના ભીરંડિયારા આસપાસ આવેલા વિવિધ ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટે નાખવામાં આવેલી ભીરંડિયારાથી ગોરેવાલી તરફ જતી મુખ્ય લાઇનમાં ગેરકાયદે જોડાણ જોડવા દરમ્યાન લાઇન તોડી નાખીને દશથી બાર લાખ લિટર પાણીનો બગાડ કરવાના મામલે ભીરંડિયારા ગામના જુમા ઇબ્રાહીમ રાયશી સામે ફોજદારી ફરિયાદ નોંધાવાઇ હતી. પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ વિભાગમાં ભુજ પેટા વિભાગ-1 ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે ફરજ બજાવતા દિનેશ ગોરધનદાસ રામાનુજ દ્વારા આજે ખાવડા પોલીસ મથકમાં ભીરંડિયારાના જુમા ઇબ્રાહીમ રાયશી સામે આ અંગેનો ગુનો દાખલ કરાવાયો હતો. પોલીસે પાણીની ગેરકાયદે ચોરી અને સરકારી મિલ્કતને નુકસાન કરવા સહિતની કલમો આ પ્રકરણમાં લગાડી હતી. પોલીસે ફરિયાદને ટાંકીને આ સબંધી વિગતો આપતાં જણાવ્યું હતું કે આરોપીએ પાણીની આ મુખ્ય લાઇનમાં ગેરકાયદે જોડાણ જોડવા માટે લાઇનમાં કાણું પાડયું હતું. આ કૃત્યને લઇને લાઇન તૂટી હતી અને લગભગ દશેક કલાક સુધી પાણી વહ્યા કર્યું હતું અને અંદાજીત 10થી 12 લાખ લિટર પાણીનો વેડફાટ થયો હતો. તો રૂા. અડધા લાખથી વધુની રકમનું નુકસાન પણ કરાયું હતું. આ બાબતે માહિતી મળ્યા બાદ ગત તા. 15મીના તંત્રની ટુકડીએ સ્થાનિકે જઇને તપાસ કરતા આ સમગ્ર મામલો પકડી પાડયો હતો. આ પછી આજે ફોજદારી દાખલ કરાવાઇ હતી. આ કેસની તપાસ હેડ કોન્સ્ટેબલ બ્રિજેશ યાદવને સુપરત કરવામાં આવી છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer