ભુજની જનરલ હોસ્પિટલ ખાતે બે તબીબ સાથે હાથાપાઇ કરાતાં ડખો

ભુજ, તા. 20 : યોગ્ય રીતે સારવાર ન કરવાના આરોપ સાથે અત્રેની જી. કે. જનરલ હોસ્પિટલ ખાતે ફરજ  ઉપરના તબીબ હિતાર્થ જોશી અને હરિતા પટેલ સાથે માથાકૂટ કરી ઝપાઝપી સાથે તેમના ઉપર હુમલો કરાતાં ડખો મચી ગયો હતો. આ મામલે બે મહિલા અને બે પુરુષ સામે ફોજદારી ફરિયાદ લખાવાઇ છે. જનરલ હોસ્પિટલના સલામતી વિભાગના વડા તરીકે ફરજ બજાવતા ધર્મપ્રિય કમરપાલ મલિકે આ મામલે ભુજના હફિઝા જંહાગીર પઠાણ અને રોશન આમદ ચંગલ નામની બે મહિલા તથા તેમની સાથેના એક પીળા અને એક કાળા ટિશર્ટવાળા અજાણ્યા પુરુષ સામે આ મામલે ગુનો દાખલ કરાવ્યો હતો. ફરિયાદને ટાંકીને પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, ગતરાત્રે જનરલ હોસ્પિટલમાં તાકીદની સારવાર માટેના વોર્ડમાં ડો.હિતાર્થ જોશી અને ડો. હરિતા પટેલ ફરજ ઉપર હતા. આ સમયે સારવાર માટે એક દર્દી દાખલ થયો હતો. બન્ને તબીબો સામાન્ય વોર્ડમાંથી તાકીદના વોર્ડમાં કોલ આવતાં સારવાર આપવા પહોંચ્યા હતા. સારવાર ચાલુ કરાયા બાદ તમે બરાબર સારવાર કરતા નથી તેવું કહીને ચારેય આરોપીએ આ માથાકૂટ કરી હતી. આ ઘટનામાં તબીબો સાથે હાથાપાઇ અને ઝપાઝપી કરાઇ હતી. તો તેમના તબીબી સાધનો પણ ઝૂંટવીને ફેંકી દેવા સહિતની હરકત કરાઇ હતી તેવું ફરિયાદમાં લખાવાયું છે. ભુજ બી. ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer