ભુજના રૂકશાના ખૂનકેસમાં મૃતકના પતિની જામીન અરજી નામંજૂર

ભુજ, તા. 20 : અત્રેની રૂકશાના માંજોઠી નામની પરિણીતાની હત્યાના અત્યંત ચકચારી મામલામાં મૃતકના પતિ ઇસ્માઇલ હુશેન માંજોઠીની વચગાળાની જામીન અરજી જિલ્લા અદાલત દ્વારા નામંજૂર કરવામાં આવી હતી. મે-2018માં પૂર્વયોજિત કાવતરું રચીને આ હત્યા કેસને અંજામ અપાયો હોવાનો મામલો બહાર આવ્યો હતો. મરનાર રૂકશાનાનું ખૂન કર્યા બાદ તેની લાશ એક નવા બંધાઇ રહેલા મકાનની નીચે દાટી નખાઇ હતી. પોલીસદળે આ પ્રકરણમાં ગુનાશોધન કર્યા બાદ મૃતકના પતિ સહિતના આરોપીઓની ધરપકડ કરવા સાથે આ કિસ્સો બહુ ગાજ્યો હતો. દરમ્યાન કેસની ચાર્જશીટ બાદ રૂકશાનાના પતિ ઇસ્માઇલ માંજોઠી માટે વચગાળાના જામીન મળવાની માગણી કરાઇ હતી. કેસની સુનાવણી દરમ્યાન રૂકશાનાના ભાઇ સલીમ અનવર માંજોઠીએ જામીન આપવા સામે લેખિત વાંધા રજૂ કર્યા હતા. બન્ને પક્ષની દલીલો સાંભળીને જિલ્લા ન્યાયાલય દ્વારા જામીન અરજી નામંજૂર કરતો ચુકાદો અપાયો હતો. આ કેસમાં સરકાર વતી અધિક જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજા જ્યારે ફરિયાદી પક્ષ વતી વકીલ તરીકે મજીદ એલ. મણિયાર અને નિઝાર એમ. ભાભવાણી હાજર રહ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer