નિયત કરતાં વધુ કિંમત લેનારા ભુજના વેપારીને વળતર ચૂકવવા માટે હુકમ

ભુજ, તા. 20 : યામાહા મોટર સાઇકલનું એર કલીનર ખરીદનારા તાલુકાના માધાપર ગામના રાજેશ નારાણ સિયાણી પટેલ પાસેથી એમ.આર.પી. 135 રૂપિયાના બદલે રૂા. 250 લેવાના કિસ્સામાં ભુજના વેપારીને વળતર ચૂકવવા કચ્છ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમે આદેશ કર્યો હતો. એર કલીનરની ખરીદી કર્યા પછી તેના ઉપર લાગેલા સ્ટીકરને લઇને નિયત કિંમત કરતાં વધુ રૂપિયા લેવાયાનું બહાર આવ્યા બાદ આ મામલો ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. ફોરમે બન્ને પક્ષને સાંભળી, આધારો તપાસી વેપારી ફરિયાદીને રૂા. બે હજાર વળતર પેટે ચૂકવે તેવો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે કુલદીપ ડી. ગરવા અને મહેશ એસ. સીજુ રહયા હતા. મેડિક્લેઇમ ચૂકવવાનો આદેશ મેડિક્લેઇમના વળતર માટેના એક કેસમાં કચ્છ ફોરમે ભુજના ગ્રાહક પ્રભુભાઇ ભવાનભાઇ પટેલને વળતરની રકમ વ્યાજ સહિત ચૂકવવાનો ચુકાદો આપ્યો હતો. વીમા કંપની ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ દ્વારા વળતરનો દાવો નામંજૂર કરતાં આ કેસ ફોરમ સમક્ષ લઇ જવાયો હતો. આ કેસમાં ફરિયાદીના વકીલ તરીકે વિશાલ બી. મકવાણા, ઋષિ જે. ઉપાઘ્યાય, સાજીદ આઇ.તુરીયા, હેતલ કે. વાઘેલા અને મેહુલ કે. ગોસ્વામી રહયા હતા. બાઇક ચોરી કેસમાં છુટકારો ભુજમાં ફેબ્રુઆરી-2019માં બાઇકની ચોરી બાબતે નોંધાવાયેલી પોલીસ ફરિયાદના કેસમાં બન્ને આરોપી દિનેશ પેથા અને શિવભદ્રાસિંહ ઉર્ફે શિવમ મહેન્દ્રાસિંહને છોડી મૂકવાનો આદેશ અદાલતે કર્યો હતો. ભુજ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટએ આ આદેશ કર્યો હતો. આ કેસમાં આરોપીઓના વકીલ તરીકે ગોપાલ કે. ગઢવી રહયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer