ભુજની ભાગોળે ચોરાઉ મનાતા ભંગાર સાથે ત્રણ શખ્સને અટકમાં લેવાયા

ભુજ, તા. 20 : શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર મહિન્દ્રા જીતો મિની ટેમ્પોમાં ચોરાઉ મનાતા 605 કિલો ભંગારના જથ્થા સાથે પોલીસે ત્રણ શખ્સને પકડી પાડયા હતા. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં મૂળ જામનગરના અને હાલે ભુજમાં બાપાદયાળુ નગરમાં રહેતા કિશન મધુભાઇ દેવીપૂજક અને યોગેશ મધુભાઇ દેવીપૂજક ઉપરાંત ભુજના રફીક અદ્રેમાન લુહારને પકડાયા હતા.આ ત્રણેય આરોપી મહિન્દ્રા જીતો વાહનમાં માધાપરથી ભુજ તરફ આવી રહ્યા હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરાઇ હતી. વાહનમાં ભરાયેલો આધાર-પુરાવા વગરનો ભંગારનો ચોરાઉ મનાતો 605 કિલો શંકાસ્પદ જથ્થો કબ્જે કરાયો હતો અને ત્રણેય આરોપીને અટકમાં લેવાયા હતા. વાહન અને બે મોબાઇલ ફોન પણ કબ્જે કરાયા હતા. ભંગારની કિંમત રૂા. 9680 અંકારવામાં આવી છે.એસ.ઓ.જી.ના ઇન્સ્પેક્ટર એ.આર. ઝાલા સાથે સ્ટાફના વાછિયાભાઇ ગઢવી, નરેન્દ્રાસિંહ રાણા, મદનાસિંહ જાડેજા વગેરે કામગીરીમાં જોડાયા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer