પૂર્વ કચ્છમાં પવનચક્કી હટાવો-નવીને મંજૂરી ન આપો

ગાગોદર, તા. 20 : પૂર્વ કચ્છમાં પવનચક્કી હટાવવા અને નવી મંજૂરી પર રોક લાવવા વાગડ માનવ વિકાસ ટ્રસ્ટ-ગાગોદર દ્વારા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. આ અંગે પ્રમુખ ભરવાડ ધારાભાઈની યાદીમાં જણાવાયા મુજબ રાજ્ય સરકાર દ્વારા વિન્ડફાર્મ કંપનીઓની પવનચક્કી નાખવા માટે ભાડા માટે અને સરકારી જમીન પર પ્રતિબંધ લગાવ્યો તે બદલ સરકારને અભિનંદન આપી ઉમેર્યું કે વાગડ વિસ્તારમાં જ્યારે પવનચક્કીઓ નાખી ત્યારે સંસ્થા દ્વારા વિરોધ સાથે અગાઉ કલેક્ટર પાસે તથા ઊર્જામંત્રી સુધી રજૂઆતો કરી પરંતુ જે અત્યારે સરકારે નિર્ણય લીધો તે નિર્ણયને વાગડમાં લાગુ કરવા માંગ કરી હતી.વાગડ વિસ્તાર જેમાં શિકારપુર, જંગી, માણાબા, કૃંભારિયા, ખોડાસર, કટારિયા વિ.માં સ્થાનિક દલાલો કંપની લઈ આવ્યા. જેથી આ પવનચક્કીથી પર્યાવરણ, પશુઓને મોટું નુકસાન થયું તેમજ પવન કે વાવાઝોડામાં ગામડાઓમાં લોકો ભયભીત બની જાય. એક-બે વાર પવનચક્કી પડી ગઈ હોવાના પણ બનાવો બન્યા છે. ગૌચર જમીન અને અભયારણ્યને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જેથી ઉપરોક્ત વિસ્તારના ગામોમાંથી પવનચક્કી દૂર કરવા અને નવી નાખવાની મંજૂરી ન આપવા માંગ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer