વિવિધ બનાવમાં સ્વામિ. મંદિરને સાંકળીને બદનામ કરવાના પ્રયાસો દુ:ખદ

વિવિધ બનાવમાં સ્વામિ. મંદિરને સાંકળીને બદનામ કરવાના પ્રયાસો દુ:ખદ
ભુજ, તા. 19 : સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટ ખાતેની ઘટના બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના વરિષ્ઠ સ્વામી કૃષ્ણસ્વરૂપદાસજીના પ્રવચનની વીડિયો ક્લિપને ઉપરોક્ત ઘટના સાથે સાંકળી વાયરલ કરાતાં સંતો તથા હરિભકતોમાં દુ:ખની લાગણી ફેલાઇ હતી. સંપ્રદાયને નીચું દેખાડવા થતા આવા પ્રયાસોનો વિરોધ કરવા આજે ભુજ ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરે વિશાળ સભા યોજાયા બાદ રેલી સ્વરૂપે કલેકટરને આવેદનપત્ર અપાયું હતું, જેમાં સંતોની આગેવાની હેઠળ હજારોની સંખ્યામાં હરિભક્ત ભાઇઓ, સાંખ્યયોગી બહેનો, કર્મયોગી બહેનો જોડાયા હતા. હજારોની સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોને સભામાં સંબોધતાં અક્ષરપ્રકાશ સ્વામીએ આવી ઘટનાઓને શાસ્ત્રો પર પ્રહાર સમાન લેખાવી જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી દરેક ઘટનામાં મંદિરને સાંકળી અને બદનામ કરવા પ્રયાસો થઇ રહ્યા છે. સ્વામિનારાયણ મંદિર સંચાલિત અનેક સંસ્થાઓ દ્વારા લોકસેવા, શિક્ષણ, આરોગ્ય, જીવદયા ક્ષેત્રે થતાં કામો પર સ્વામીએ પ્રકાશ પાડી શિક્ષાપત્રીમાં લખ્યું છે તે જ રીતે ચાલશે, ધર્મમાં કોઇ પણ ફેરફાર નહીં થાય તેવું સ્પષ્ટ જણાવ્યું હતું, જેને ઉપસ્થિતોએ તાળીઓ સાથે અનુમોદન આપ્યું હતું.  તેમણે વધુમાં ઉમેર્યું કે, અનાદિકાળથી સાચી વ્યકિતઓ ઉપર પ્રહારો થતા રહે છે, પરંતુ છેવટે જીત તો સચ્ચાઇની જ થાય છે. દરેક સંતોની પ્રવચનની શૈલી અલગ-અલગ હોય છે, પરંતુ ઉદ્દેશ તો ભાવિકોને ધર્મજ્ઞાન આપવાનો જ હોય છે. તાજેતરમાં અલગ-અલગ માધ્યમો દ્વારા સંતનો જૂનો વીડિયો વાયરલ કરવાની ઘટનાને વખોડી આવા પ્રયત્નોને ધર્મ પર ધાડ સમાન લેખાવ્યા હતા.  સભા દરમ્યાન અક્ષરપ્રકાશ સ્વામીએ વડાપ્રધાન, મુખ્યમંત્રી, પોલીસવડાને સંબોધી કલેકટરને આપવા માટે તૈયાર કરેલા આવેદનપત્રનું વાંચન કરતાં કહ્યું કે, હાલમાં સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના બનાવને બિનજરૂરી રીતે ઊઠાવી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડવા પ્રયત્ન કરાય છે જે દુ:ખદ છે. સરકાર દ્વારા વિવિધ એજન્સી નીમાઈ છે જે તેમનું કામ કરી રહી છે તે પ્રત્યે કોઇ ફરિયાદ નથી, પરંતુ હવે સંપ્રદાયને અને સંતોને નીચા દેખાડવા તથા લોકોને ભ્રમિત કરવા સુનિયોજિત પ્રયત્નો પ્રત્યે દુ:ખની લાગણી વ્યકત કરી હતી. કૃષ્ણસ્વરૂપદાસજી છેલ્લા 27 વર્ષથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે અને ધર્મનો પ્રસાર કરવા કથા-વિચારગોષ્ઠીનું આયોજન કરતા રહે છે. સંતો પોતાની આગવી શૈલીમાં જ્ઞાન પીરસતા હોય છે અને સંવાદો-પ્રતિસંવાદો પણ થતા રહે છે, જે અરસ-પરસ વૈચારિક મતભેદો અથવા વ્યકિતગત અભિપ્રાયોને લઇને હોય છે. સંતોનો આ સંવાદો પાછળ મલિન ઇરાદો હોતો નથી. હકીકતે એ વીડિયોના અમુક અંશને બદલે આખો વીડિયો જોવામાં આવે તો તેનો આશય સદંતર અલગ છે તે ખ્યાલ પડી શકે. જેથી આવા વિઘ્નસંતોષીઓ સામે ત્વરિત યોગ્ય પગલાં ભરાય તેવી માંગ આવેદનપત્રમાં કરાઇ હતી. આવેદનપત્રના વાંચન બાદ અલગ-અલગ સમાજના અગ્રણીઓ, ઉપસ્થિતોનું અનુમોદન મેળવાયું હતું. સભા બાદ નીકળેલી વિશાળ મૌન રેલી બસ સ્ટેશન થઇ વી.ડી. હાઇસ્કૂલ માર્ગેથી જ્યુબિલી ગ્રાઉન્ડ થઇ કલેકટર કચેરી પહોંચી હતી જ્યાં વરિષ્ઠ સંતો, અગ્રણીઓએ આવેદનપત્ર આપ્યું હતું. મહંત સ્વામી ધર્મજીવનદાસજી, પ્રેમપ્રકાશ સ્વામી તથા જાદવજી ભગતની નિશ્રામાં આયોજિત સભા-રેલીમાં કોઠારી દેવપ્રકાશજી, સહકોઠારી સુખદેવ સ્વામી, કે.પી. સ્વામી, દેવચરણ સ્વામી, ભગવતજીવન સ્વામી, ટ્રસ્ટી રામજીભાઇ વેકરિયા, મૂળજીભાઇ સિયાણી, શશિકાંતભાઇ ઠક્કર, જાદવજી ગોરસિયા તથા સંતો, સમાજ અગ્રણીઓ, ભાવિકો જાડાયા હતા. સંચાલન અક્ષરપ્રકાશ સ્વામીએ કર્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer