ગાંધીધામમાં રહેણાક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ જબ્બે

ગાંધીધામમાં રહેણાક મકાનમાંથી ગાંજાના જથ્થા સાથે શખ્સ જબ્બે
ગાંધીધામ, તા. 19 : શહેરની જનતા કોલોની નજીક સોનલનગર વિસ્તારમાં એક મકાનમાંથી એસ.ઓ.જી.ની ટીમે રૂા. 7,566ના એક કિલો 261 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી હતી. આ શખ્સના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા.પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમને મળેલી પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. શહેરના સોનલનગર વિસ્તારમાં મકાન નંબર 24માં રહેતા મૂળ ચેખલા, સિહોરી, બનાસકાંઠાના રોનક પ્રવીણ ઠક્કરના મકાનમાં પોલીસે છાપો માર્યો હતો.આ શખ્સના મકાનમાં સ્ટોર રૂમ તરીકે વપરાતા ઓરડામાં પોલીસ ગઇ હતી જ્યાં પ્લાસ્ટિકના કેરેટમાં ગોદડી હટાવી તપાસ કરતાં પ્લાસ્ટિકના ઝબલા મળી આવ્યા હતા. આ ઝબલામાંથી લીલા, ભૂખરા રંગના વનસ્પતિજન્ય ફૂલ, બી, ડાળખી મળી આવ્યા હતા. આ પદાર્થ ગાંજો હોવાનું જણાતાં અહીં એફ.એસ.એલ.ને બોલાવાઇ હતી. એફ.એસ.એલ. અધિકારીએ પ્રાથમિક દૃષ્ટિએ આ ગાંજો જ હોવાનું જણાવતાં રોનક ઠક્કરની પોલીસે ધરપકડ કરી હતી. તેના આ મકાનમાંથી એક કિલો અને 261 ગ્રામ ગાંજો કિંમત રૂા. 7,566 તથા મોબાઇલ, રોકડ રકમ, વજનકાંટો, વજનિયું વગેરે મળી કુલ્લ રૂા. 14,416નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ શખ્સ વજનકાંટામાં વજન કરીને પોતાના ગ્રાહકોને ગાંજો વેચતો હોવાનું બહાર આવ્યું હતું. અગાઉ તે ચોરી સહિતના અનેક ગુનામાં પોલીસની ઝપટમાં આવ્યો છે. તેણે આ જથ્થો ક્યાંથી મગાવ્યો હતો તથા તેની સાથે અન્ય કોણ-કોણ છે તે સહિતની વિગતો માટે તેને રિમાન્ડની માંગ સાથે આજે કોર્ટમાં રજૂ કરાયો હતો, જ્યાં તેના તા. 24/2 સુધીના છ દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer