માંડવીનો કાંઠો માનવમહેરામણથી છલકાયો

માંડવીનો કાંઠો માનવમહેરામણથી છલકાયો
દેવેન્દ્ર વ્યાસ દ્વારા-  માંડવી, તા. 19 : આ બંદરીય શહેરના 440મા સ્થાપના દિનની આજે ઉજવણી અંતર્ગત અફલાતુન કાર્નિવલને આજે માનવમહેરામણે મન ભરીને માણ્યો હતો. સવારે દરિયાલાલ દ્વારે (કાંઠાવાળા નાકે) પરંપરાગત રીતે નગરપતિ મેહુલભાઇ શાહના હસ્તે શાત્રોક્ત વિધિપૂર્વક ખીલી પૂજન, તોરણવિધિ સંપન્ન થયા બાદ ઢળતી સાંજે આપણી નવરાત્રિના સહયોગે અને કન્વીનર દેવાંગભાઇ દવેની ટીમની દોરવણી હેઠળ ટાગોર રંગ ભવન પાસેથી સાંસદ વિનોદભાઇ ચાવડાએ ધારાસભ્યના પ્રતિનિધિ (પુત્ર) કુલદીપસિંહ જાડેજા સંગાથે આનંદના માહોલમાં કાર્નિવલને પ્રસ્થાન અપાયું હતું. 20 જેટલા કલા પ્રદર્શનમાં 800 જેટલા છાત્રો, કલા સાધકોએ પ્રદર્શન કરીને રંગ જમાવ્યો હતો. આ પહેલાં ભીમાણી ટાવર સહિતનું ડિજિટલ લોકાર્પણ, વિવિધ વિકાસકામોનું ખાતમુહૂર્ત અને બે માર્ગોનું નામાભિધાન સંપન્ન થયું હતું. યોગાનુયોગ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી અવસરે નસીબ થયેલા શહેર સ્થાપના દિને શહેરના માર્ગો, નાકાઓ, રુકમાવતી પૂલ સહિત આખા નગરમાં વીજળી બલ્બોના તોરણોએ લોકોત્સવ જમાવ્યો હતો. શિવાજી મહારાજની તસવીરને નગરપતિ મેહુલ શાહના હસ્તે મંચસ્થો સાથે પુષ્પાંજલિ અર્પણ કરાયા બાદ સાંસદ વિનોદભાઇ ચાવડાના હાથે 440 ફુગ્ગાઓને હવામાં લહેરાવીને લોકોત્સવનો આરંભ કરાયો હતો. બ્રાઝિલ જેવા દેશોમાં યોજાતા કાર્નિવલની ઝાંખી કરાવે, યાદ અપાવે તેવો અપૂર્વ કાર્નિવલ આ શહેરીજનોએ મન ભરીને માણ્યો હતો. ગૌરવ પથની બંને બાજુએ કતારબંધ ખુરસીઓ પર રસિકોએ આગોતરું આસન જમાવી લેતાં ટાગોર રંગ ભવનથી સ્નાનઘાટ સુધીનો સાતેક સો મીટર લાંબો ગૌરવપથ હકડેઠઠ માનવ-મહેરામણથી ઉભરાઇ ગયો હતો. કલા સાધકો દ્વારા વિવિધ વેશભૂષાઓ, વિચાર મંત્રોના બેનરો બંને હાથે કરાતી તલવારબાજીના દૃશ્યો, ટ્રેક્ટર ફલીઓ, શણગારાયેલા અશ્વો, ઊંટો, મનોરંજક માહોલ માણીગરોને લોભાવી ગયો હતો.`આગવી ઓળખ' હેઠળ ટોપણસર વિકાસ કામો, ગૌરવ પથ પરના બગીચાઓનું વિસ્તૃતિકરણ-નવીનીકરણ, કરસનદાસ જેઠાભાઇ ભીમાણી ટાવરનું નવીનીકરણ બાદ લોકાર્પણ વગેરે ઉપરાંત નૃત્ય કલાગુરુ આત્મીય ધરમશીભાઇ મૂરજી શાહ અને સ્વ. ઝુમખલાલ મહેતાની સ્મૃતિમાં બે માર્ગોનું નામકરણ વગેરે ડિજિટલ સોગાદ અર્પણ કરાઇ હતી. શહેરમાં 75 જેટલા વિવિધ જ્ઞાતિ સમાજોના મંચસ્થ પ્રમુખોનું બહુમાન કરાયું હતું. આ અવસરે વિવિધ ક્ષેત્રે પ્રદાન આપનારા સો જેટલાને પુરસ્કૃત કરાયા હતા. ભાવનગર કચ્છ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઇ શાહે રૂા. 75 હજારનું દાન જાહેર કરાવ્યું હતું. પૂર્વ નગરપતિઓ અનિરુદ્ધભાઇ દવે, હરેશભાઇ ગણાત્રા, નરેન્દ્ર પીઠડિયા, તા.પં. ઉપાધ્યક્ષ રાણશી ગઢવી વગેરેનું બહુમાન પ્રમુખ મેહુલ શાહે કર્યું હતું. સાંસદ શ્રી ચાવડા, ભચાઉ નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ જાડેજા, નગરપતિ શ્રી શાહ, ઉપાધ્યક્ષા ગીતાબેન રાજગોર, કારોબારી ચેરમેન દિનેશ હિરાણી સાથે નગરસેવકો, પાલિકા પદાધિકારીઓ સાથે `આપણી ઓળખ'ના કન્સલ્ટન્ટ સચિવ બંદૂકવાલા વગેરે મંચસ્થ હતા. ભરતભાઇ?વેદ, મુલેશ દોશી, ગોરધન પટેલ વગેરેને ઓવારણા લેવાયા હતા. ઉદ્ઘોષણા વસંતબેન સાયલે અને સંચાલન જયેશ ભેડાએ સંભાળ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer