સુખી પરિવારના એકમાત્ર દીકરાના લગ્ન સાદાઇથી કરીને સંસ્થાઓને દાન આપ્યું

સુખી પરિવારના એકમાત્ર દીકરાના લગ્ન સાદાઇથી કરીને સંસ્થાઓને દાન આપ્યું
કનૈયાલાલ જોશી તરફથી-  મુંબઈ, તા.19 : સુખી વર્ગના પરિવારમાં દીકરા કે દીકરીના લગ્ન ધામધૂમથી યોજાય એ સ્વાભાવિક છે અને એકમાત્ર સંતાન હોય તો કોઈ વાતની ખામી રહે નહિ તેની કાળજી લેવાય. મલાડમાં રહેતા અને મૂળ લાકડિયા (ભચાઉ)ના વાગડ વીસા ઓશવાળ સમાજના મનસુખભાઈ હરખચંદ શાહે પોતાના એકના એક પુત્ર આકાશનાં લગ્ન ખૂબ સાદાઈથી યોજીને પછી બાંદરા કોર્ટમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મનસુખભાઈ કન્સ્ટ્રક્શન લાઇનમાં છે. દીકરો આકાશ બીબીએ ભણેલો છે. તેના લગ્ન લાકડિયાના હાલે શિવાજી પાર્ક (દાદર)માં રહેતા અને ગાર્મેન્ટ્સના ઉત્પાદક ખેરાજભાઈ છાડવાની પુત્રી અક્શી સાથે નક્કી થયાં હતાં. મનસુખભાઈએ કહ્યું કે આજકાલ દેખાદેખીના કારણે લગ્ન પ્રસંગે ખૂબ ખર્ચા કરવામાં આવે છે. હાલના સમયમાં ખર્ચ કરવાનું યોગ્ય લાગ્યું નહિ એટલે અમે બંને પક્ષે મળીને સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું. કોર્ટમાં લગ્ન રજિસ્ટર્ડ કરાવ્યાં, એ પછી સાંજે શિવાજી પાર્કમાં ખેરાજભાઈના ટેરેસ ફ્લેટમાં વિધિસર લગ્ન કર્યાં હતાં ત્યારે બંને પક્ષ તરફથી માત્ર પાંચ-પાંચ જણ હાજર રહ્યા હતા. એ સાથે અમારી શાહનુખની એટલે કે અમારા કુળની 910 દીકરીઓને જમાડીને તેમને ભેટ આપી હતી. ઉપરાંત તેમને પ્રોત્સાહિત કરવા લક્કી ડ્રો કર્યો હતો. લગ્ન 13મી ફેબ્રુઆરીએ કર્યાં અને નિયાણીઓ અને બંને પક્ષના નિકટના સગાંસંબંધીઓને પહેલી ફેબ્રુઆરીએ ભોજન કરાવ્યું હતું. લગ્ન પત્યા પછી પાંજરાપોળ, અમારા સમાજના એજ્યુકેશન ટ્રસ્ટ અને અંધજન મંડળને દાન આપ્યું હતું. સાદાઈથી ઓછા ખર્ચે લગ્ન કર્યાં એ જાણીને સમાજમાંથી ઘણા લોકોએ ફોન કરીને પ્રશંસા કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer