મુંબઈમાં વાઈનશોપમાં ઘૂસેલા ખંડણીખોર ઝડપાયા

મુંબઈમાં વાઈનશોપમાં ઘૂસેલા ખંડણીખોર ઝડપાયા
મુંબઈ, તા. 19 (અમારા પ્રતિનિધિ તરફથી) : નરીમાન પૉઈન્ટ વિસ્તારની આઈનોક્સ બિલ્ડિંગમાં `વર્લ્ડ વાઈન'નામના શૉપમાં ખંડણીની માગણી કરનારા ચાર શખ્સને મરીન ડ્રાઈવ પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ માહિતી આપતાં ફોર્ટ મર્ચન્ટ વેલફેર ઍસોસિયેશનના પ્રમુખ અશોક પટેલે જણાવ્યું હતું કે, 11મી ફેબ્રુઆરીએ ચાર જણ ઈનોવા કારમાં આવ્યા હતા અને એક પછી એક દુકાનમાં ઘૂસ્યા હતા અને પૂછયું હતું કે, દુકાનનો માલિક કોણ છે? ત્યારે મારા પુત્ર ભાવેશ પટેલે કહ્યું કે હું શેઠ છું. પછી કહ્યું કે, અમારા માણસો આવ્યા હતા તમે ધ્યાન આપ્યું નથી. દર મહિને કેટલા આપશો? પાંચ લાખ? મહિને ખંભા (દારૂની બોટલ) કેટલા આપશો? પછી ત્રણ જણે કહ્યંy કે, અમારા બોસ વાઘમારેને બેસવા ખુરશી આપો. અમે પાછા આવશું. બે ચાર દિ'માં વિચારી રાખો. નહિ તો તમને ધંધો કરવો ભારે પડશે. ખંડણીખોરો ગયા પછી શૉપના માલિક ભાવેશ પટેલે ફોર્ટ મર્ચન્ટ ઍસોસિયેશનને લેખિતમાં ફરિયાદ કરી હતી. ગઈકાલે પાછા દુકાનમાં આવ્યા હતા ને પૂછયું કે, શું વિચાર્યું? શું કરવું છે? ભાવેશે કહ્યંy, દુકાનની અંદર આવો. બેસો, એ શખ્સ રાજેન્દ્ર વાઘમારે અંદર આવ્યા પછી દુકાનને બહારથી લૉક કરી દીધી હતી. રાજેન્દ્ર વાઘમારેએ બૂમાબૂમ કરી હતી. પોતાના સાથીઓને ફોન કર્યા હતા. આ દરમિયાન 100 નંબરને ફોન કરતાં પોલીસ વાન આવી પહોંચી હતી. રાજેન્દ્ર વાઘમારેને પકડીને લઈ ગઈ હતી.  તરત એફઆઈઆર નોંધાવાઈ હતી એ પછી વાઘમારેના ત્રણ સાથી જનાર્દન પાંડુરંગ, નીતિન સંજય કાશીનાથ અને મનીરાં તાંબેને પોલીસે પકડી લીધા હતા. ફોર્ટ મર્ચન્ટ વેલ્ફેર ઍસોસિયેશનને રાજ્યના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે, ગૃહપ્રધાન અનિલ દેશમુખ, પોલીસ કમિશનર સંજય બર્વે, ડીસીપી ઝોન-1 સંગ્રામસિંહ, સિનિયર પીઆઈ (મરીનડ્રાઈવ)ને ફરિયાદ અંગેના પત્રો પાઠવ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer