ગાંધીધામમાં વૃદ્ધાના ગળામાંથી 65 હજારની ચેઈનની ચીલઝડપ

ગાંધીધામ, તા. 19 : શહેરના અપનાનગરમાં અંબાજી મંદિરથી ચાર રસ્તા વચ્ચે મોપેડ ઉપર પાછળ બેઠેલા વૃદ્ધાના ગળામાંથી રૂા. 65000ની ચેઈનની ચીલઝડપ કરી બાઈક પર આવેલા બે શખ્સ નાસી ગયા હતા.શહેરના ભારતનગર નજીક ભાઈપ્રતાપ સોસાયટીમાં રહેતા મોહિનીબેન વિસનદાસ પમવાણી (સિંધી) નામના વૃદ્ધાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ગઈકાલે રાત્રે આ વૃદ્ધા અને તેમના પુત્રવધૂ સોનિયાબેન એક્ટિવા મોપેડ નંબર જી.જે. 12 સીબી 9992 લઈને ઘરેથી નીકળ્યા હતા. આ બન્ને ડી-માર્ટમાં ખરીદી કરવા જઈ રહ્યા હતા. ગોપાલપુરીના ગેટ સામેના રોડ ઉપર વળ્યા બાદ અંબાજી મંદિર થઈ આગળ જઈ રહ્યા હતા. ત્યારે પાછળથી એક બાઈક ઉપર બે શખ્સ આવ્યા હતા.મોઢે રૂમાલ બાંધેલા આ બન્ને શખ્સ પૈકી પાછળ બેઠેલા શખ્સે વૃદ્ધાના ગળામાં હાથ નાખી તેમના ગળામાંથી રૂા. 65,000ની સોનાની ચેઈનની ચીલઝડપ કરી ખન્ના માર્કેટ બાજુવાળા રોડ ઉપર નાસી ગયા હતા. પાછળ બેઠેલા શખ્સે મરૂન રંગનું ટીશર્ટ પહેર્યું હતું. આ માર્ગ ઉપર થોડા દિવસ પહેલાં ભારતનગરના એક વેપારી સાથે લૂંટનો બનાવ બન્યો હતો. આ બનાવમાં વેપારીને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. અગાઉના બનાવમાં પોલીસ હજુ ફીફા ખાંડે છે તેવામાં આ જ માર્ગ ઉપર આવો બીજો બનાવ બનતાં લોકોમાં ભારે ચકચાર પ્રસરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer