ભુજની સહજાનંદ કોલેજના મામલામાં ચારેય મહિલા આરોપી જામીનમુક્ત

ભુજ, તા. 19 : માસિક ધર્મની ચકાસણી માટે કન્યાઓના વસ્ત્રો ઉતરાવવાના અત્રેની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના બહુગાજેલા મામલામાં દાખલ કરાયેલા ફોજદારી કેસમાં ધરપકડ કરાયેલા કોલેજના આચાર્યા સહિતના ચારેય મહિલા આરોપીને આજે રિમાન્ડ પૂર્ણ થયા બાદ જામીનમુક્ત કરાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ફોજદારી ફરિયાદ બાદ કુલ ચાર મહિલા આરોપીની ધરપકડ કરી તેમના બે દિવસના રિમાન્ડ મેળવાયા હતા. આજે મધ્યાહને રિમાન્ડની અવધિ પૂર્ણ થયા બાદ આચાર્યા રીટાબેન રાણીંગા, કોઓર્ડિનેટર અનિતાબેન રણછોડ ચૌહાણ, છાત્રાલય સુપરવાઇઝર રમીલાબેન હિરાણી અને પટ્ટાવાળા નયનાબેન ગોરસીયાને પુન: અદાલત સમક્ષ રજૂ કરાયાં હતાં. ભુજ ચીફ કોર્ટે આ ચારેયને જામીન ઉપર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ કિસ્સા થકી સર્જાયેલી ચકચાર અને કેસની ગંભીરતા જેવા મુદ્દા કેન્દ્રમાં રાખીને તપાસ માટે સીટની રચના કરાઇ છે. તો ગઇકાલે જ ગુનામાં ત્રણ નવી કલમ પણ ઉમેરાઇ હતી. કેસની તપાસ લગભગ પૂર્ણતાના આરે હોવાનું અને નવાં કોઇ નામ સપાટીએ ન આવ્યાંનો નિર્દેશ પોલીસે આપ્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer