ભુજ ચાખશે વિસરાતી વાનગીઓનો સ્વાદ

ભુજ, તા. 19 : ઘરના રસોડાની બહાર હોટલો, લારીઓ, રેસ્ટોરન્ટના જંકફૂડે માનવશરીર પર અનેક પ્રકારે નુકસાનકારક અસર કરી છે, ત્યારે સાત્ત્વિક, સ્વાદિષ્ટ તેમજ પૌષ્ટિક એવી પરંતુ આજના સમયે ભૂલાવા માંડેલી વાનગીઓની યાદ અપાવે એવી વાનગીઓનો શનિવારથી ત્રણ દિવસ ભુજમાં મહોત્સવ યોજાશે.માંડવી તાલુકાના કોડાય સ્થિત કામધેનુ ટ્રસ્ટ દ્વારા મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી તેમજ  રામકૃષ્ણ ટ્રસ્ટ-કુકમાના આર્થિક સહયોગથી ભુજ હાટ ખાતે 22મી ફેબ્રુઆરીથી ત્રણ દિવસ માટે વિસરાતી વાનગીઓનો મહોત્સવ યોજાશે. આયોજનમાંથી થનાર આવક ગૌસેવાના લાભાર્થે વપરાશે.ભુજ હાટ મધ્યે શનિવારની સવારે 10 વાગ્યે કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાના હસ્તે આ મહોત્સવ ખુલ્લો મુકાશે. આ પ્રસંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ કેશુભાઇ પટેલ, ભુજના ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, પૂર્વમંત્રી તારાચંદભાઇ છેડા, ભુજના નગર અધ્યક્ષા લતાબેન સોલંકી, રામકૃષ્ણ ટ્રસ્ટના અધ્યક્ષ મનોજભાઇ સોલંકી, સરહદ ડેરીના અધ્યક્ષ વલમજીભાઇ હુંબલ, પૂર્વ ધારાસભ્ય પંકજભાઇ મહેતા સહિતના અગ્રણીઓ અતિથિપદે ઉપસ્થિત રહેશે.વિશેષ રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છાણમાંથી બનાવેલ ઘડિયાળ, ગૌમૂત્રમાંથી બનાવેલ ફિનાઇલ, સાબુ, ડાયાબિટીશ, પ્રેશર, માથાના દુ:ખાવાઓ, શરદી જેવા રોગોમાં અક્સીર ગૌમૂત્રની ઔષધિઓનું વેચાણ પણ પ્રદર્શનમાં આકર્ષણ જમાવશે. કચ્છના પ્રખ્યાત ખાખરા,દૂધના પેંડા, કચ્છ-સૌરાષ્ટ્રના સજીવ ખેતીના ઉત્પાદનો, હસ્તકલાના વિવિધ નમૂના, ગ્રામ્યકલા અને સંસ્કૃતિ મહોત્સવનું આકર્ષણ રહેશે.સમગ્ર આયોજનમાં ક.વી.ઓ. જૈન મહાજન, સર્વ સેવા સંઘ, સુપાર્શ્વ જૈન સેવા મંડળ, સરહદ ડેરી, એન્કરવાલા અહિંસાધામ, મીટીકુલ, નર્મી, એથિકલ ઇન્ડિયા, વાસુપૂજ્ય ડ્રેગન ફ્રૂટ ફાર્મ, ધીરુભાઇ મહેતા સહિતની સંસ્થાઓનો સહયોગ મળી રહ્યો છે. તા. 22થી 24 દરમ્યાન યોજાનાર આ ત્રિદિવસીય મહોત્સવમાં આપણી કલા-સંસ્કૃતિને જાણવા અને ટકાવવા માટે વધુને વધુ લોકો જોડાવા સંયોજક રાજેશભાઇ શાહે અપીલ કરી છે. 


આ પીરસાશે વિસરાતી વાનગીઓ...  ત્રણ દિવસ સુધી રામકૃષ્ણ ટ્રસ્ટ અને નર્મી સંસ્થાના સહયોગથી ચાલનારા આ મહોત્સવમાં અખરોટનો શીરો, કેસરનું શરબત, ગુંદની રાબ, લાલ ચોખાની ખીર, મગના પકોડા, રજવાડી કઢી પરોઠા, ચણાના થેપલા, અશ્વગંધાની ચા, લીલા ચણાનું શાક, બાજરીની ખીચડી, લીલવાના પરોઠા, વઘારેલો રોટલો, મકાઇનો રોટલો, નાગરવેલનું શરબત, પંચરત્ન દાળ સહિતની વિસરાતી વાનગીઓનો સ્વાદ માણી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer