જન સેવા કેન્દ્રના સ્થાળાંતરથી ગ્રામ્ય પ્રજા હજુય વેઠે છે હાલાકી

ભુજ, તા. 19 : શહેરમાં અગાઉ કલેક્ટર કચેરીમાં કાર્યરત જન સેવા કેન્દ્રનું મુન્દ્રા રોડ પર આવેલી મામલતદાર કચેરીમાં સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જો કે, ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક અરજદારો આ બાબતથી અજાણ હોવાના લીધે તેમને ધરમધક્કા ખાવાની નોબત આવી રહી છે. અધૂરામાં પૂરું કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં કાર્યરત જૂના જન સેવા કેન્દ્રમાં અન્ય કોઈ વિકલ્પરૂપે ઉપયોગ શરૂ ન કરાતા હાલ તો અહી માત્ર એક મતદાર સહાયતા કેન્દ્રને બાદ કરતાં અન્ય કોઈ વિભાગ જ કાર્યરત ન હોતાં મોટા ભાગે તો અહીં સૂમસામ માહોલ જ ભાસી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અનેક અરજદારો અજાણતા વશ જૂના જન સેવા કેન્દ્રમાં પહોંચી ગયા બાદ તેમને રાશનકાર્ડ, વિવિધ પ્રકારના દાખલા કઢાવવા સહિતનું કાર્ય કરાવવા માટે મુન્દ્રા  રોડ પર જવાનું કહેવાતું હોવાના લીધે તેમના સમયનો વેડફાટ થવા સાથે ધરમધક્કા ખાવાની નોબત આવી રહી છે.જો કે, નવી મામલતદાર કચેરીનું લોકાર્પણ કરાયું ત્યારે જ જન સેવા કેન્દ્રનું અહીંથી સ્થાળાંતર કરવા અંગે સંબંધીત તંત્રો ઉપરાંત અરજદારોને માહિતીનું આદાન-પ્રદાન કરી દેવાયું હતું. આમ છતાં અજાણતા વશ અહીં આવી પહોંચતા ગ્રામ્ય વિસ્તારના અરજદારોને માટે સુચનાનું ફરી એકવાર જરૂરી આદાન-પ્રદાન કરવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરાઈ રહી છે. નોંધનીય એ પણ છે કે, જૂના જન સેવા કેન્દ્રની વર્તમાન બિલ્ડીંગના વૈકલ્પિક ઉપયોગ માટે તંત્રે અગાઉ કવાયત આદરી હતી પણ આદરાયેલી આ કવાયત તેના નિયત અંજામ સુધી પહોંચી જ ન હોતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer