મનફરા હત્યા પ્રકરણનો બીજો આરોપી ઝડપાયો : બે હજુ ફરાર

ગાંધીધામ, તા. 19 : ભચાઉ તાલુકાના મનફરા ગામમાં વૃદ્ધની હત્યા પ્રકરણમાં પોલીસે બીજા આરોપીની અટક કરી હતી. હજુ આ બનાવમાં બે આરોપી પોલીસની પકડમાં આવ્યા નથી, તો કબરાઉમાં કિશોરી પર બળાત્કારને આરોપી પણ પોલીસના હાથમાં આવ્યો નથી. મનફરા ગામમાં ગત તા. 14-2ના બપોરના ભાગે ખીમા સાદુર કોળી નામના વૃદ્ધની હત્યા થઇ હતી. આ બનાવમાં ચાર શખ્સો સામે ફરિયાદ થઇ હતી. બાદમાં એલ.સી.બી.એ રામશી વેલા સાંઇયા (કોળી) નામના શખ્સની ધરપકડ કરી સ્થાનિક પોલીસને સોંપી દીધો હતો. હવે આજે નાગજી વેલા સાંઇયા (કોળી) નામના શખ્સની સ્થાનિક પોલીસે અટક કરી હતી. આ બનાવના બીજા બે આરોપી એવા મોહન રવા કોળી અને નાનજી કાના કોળી નામના શખ્સો પોલીસની પકડમાં આવ્યા નથી. કબરાઉમાં એક વાડીએ મરચાં વીણવા ગયેલી એક કિશોરી ઉપર ડાયા મનસુખ ડીંડોર નામના શખ્સે બળાત્કાર ગુજાર્યો હતો. આ શખ્સે બનાવને અંજામ આપ્યા બાદ ગઇકાલે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ શખ્સ પણ પોલીસની પકડમાં હજુ સુધી આવ્યો નથી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer