ગાંધીધામમાં ઘરધણી સૂતા રહ્યા અને તસ્કરો 60 હજારનો હાથ મારી ગયા

ગાંધીધામ, તા. 19 : શહેરની રેલવે કોલોનીમાં મકાન માલિકને ઊંઘતા રાખીને તસ્કરો ખુલ્લા મકાનમાંથી રોકડ રકમ અને બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 60,000ની મતાની ચોરી કરી નાસી ગયા હતા.રેલવે કોલોનીમાં આવેલા મકાન નંબર 455-બીમાં રહેતા અને દૂધ વેચતા હરિકેશ પારસ યાદવના મકાનમાં તસ્કરોએ ખાતર પાડયું હતું. દૂધ વેચીને પેટિયું રળતા આ યુવાનને દૂધના રૂા. 25,000 મળ્યા હતા. તેને વીમો ભરવાનો હોવાથી તેણે અન્ય રૂા. 25,000 પોતાના મિત્ર વિદ્યાસિંહ પાસેથી ઉધાર લીધા હતા. દૂધના રૂપિયા તેમની પત્ની મીરાદેવીએ એક થેલીમાં નાખી દરવાજા પાછળ ખીલીમાં ટીંગાડયા હતા. ગત તા. 16/2ના રાત્રિના 10.30ના અરસામાં દૂધ વેચી આ યુવાન પરત ઘરે આવ્યો હતો અને વીમા માટે લીધેલા ઉછીના રૂપિયા પેન્ટના ખિસ્સામાં રાખી પેન્ટને દરવાજા પાછળ ટીંગાડી દીધી હતી. એકાદ વાગ્યે આ બંને સૂઇ ગયા હતા. બાદમાં સવારે ગાય દોહવા માટે હરિકેશ ઊઠતાં ઘરનો દરવાજો ખુલ્લો જણાયો હતો અને તેનું પેન્ટ પણ?ઘર બહાર નજરે ચડયું હતું. આ પેન્ટમાં રૂપિયાની તપાસ કરતાં તે ચોરી થયાનું જણાયું હતું. આ યુવાન ત્યાં રડવા લાગ્યો હતો તે સાંભળીને તેની પત્ની બહાર આવી હતી. ચોરી થયાની તેને પણ જાણ થતાં તેણીએ દરવાજા પાછળની થેલી તપાસતાં તે થેલી પણ ગાયબ હતી. પોતાના માટે આપઘાત સમાન આ બનાવ અંગે યુવાને સંબંધીઓને ફોન કરવા મોબાઇલ શોધતાં આ બંનેના મોબાઇલની પણ ચોરી થયાનું બહાર આવ્યું હતું. પોલીસે જણાવ્યું હતું કે આ ખુલ્લા ઘરમાંથી રોકડા રૂા. 50,000 તથા બે મોબાઇલ એમ કુલ્લ રૂા. 60,000ની મતાની ચોરી કરી તસ્કરો નાસી ગયા હતા.આ શહેર સંકુલમાં ઘરફોડ ચોરી, ચીલઝડપ, વાહનચોરીના ઉપરા ઉપરી બનાવો બની રહ્યા છે પરંતુ શોધનની કામગીરી ઢીલી હોય તેમ અમુક જ ગુનાનો ભેદ હજુ સુધી ઉકેલાયો છે. મોટા ભાગના ગુના વણઉકેલાયેલા પડયા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer