જાલીનોટ કેસના મુખ્ય આરોપીને પકડયા બાદ રિમાન્ડ મેળવાયા

ભુજ, તા. 19 : જેના તાણાવાણા કચ્છ ભુજથી છેક બેંગ્લોર સુધી જોડાયેલા છે તેવા આ શહેર અને તેને સંલગ્ન આસપાસના વિસ્તારમાંથી બહાર આવેલા જાલી ચલણી નોટોના પ્રકરણમાં મુખ્ય આરોપી એવા મૂળ નખત્રાણા તાલુકાના ટોડિયા ગામના અને હાલે બેંગ્લોર રહેતા કિશોર વાલજી પટેલની પોલીસે ધરપકડ કરી તેના પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. આ પ્રકરણમાં પહેલાં વર્ધમાનનગર (ભુજોડી) અને ત્યારબાદ ભુજમાંથી રૂા. 100ના દરની જાલીનોટો પોલીસે પકડયા બાદ તપાસમાં આ બનાવટી નોટો બેંગ્લોરથી કિશોર પટેલ પાસેથી આવ્યાનું બહાર આવ્યું હતું. ભુજ બી. ડિવિઝન પોલીસે બેંગ્લોર જઇને ત્યાં લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા કિશોરની ધરપકડ કરી હતી. ભુજ લવાયેલા આ સૂત્રધાર આરોપીને અદાલત સમક્ષ રજૂ કરીને તેના પાંચ દિનના રિમાન્ડ મેળવાયા છે.પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ કિશોરે પૂછતાછ અંતગર્ત એવી કેફિયત આપી છે કે સાતથી આઠ મહિના પહેલાં તેની પાસે સાત-આઠ ટકાના કમિશનથી અઝિમખાન નામના ઇસમ પાસેથી આ નોટો આવી હતી. પોલીસે હવે આ ઇસમને પકડવા તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ કેસમાં સૈપ્રથમ ભુજ-માધાપર રોડ ઉપરની પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા અતુલ પ્રાણલાલ વોરા નામના જૈન વેપારી રૂા. 100ની 37 જાલીનોટો સાથે પકડાયા હતા. આ પછી ભુજના ભાવેશ મુળશંકર ઝાલાને પકડી તેની પાસેથી 412 નોટો કબ્જે કરાઇ હતી. તો ભુજના જ સ્નેહલ પ્રફ્yલ્લચન્દ્ર ઝવેરી પાસેથી 250 નોટો કબ્જે કરાઇ હતી. આ તહોમતદારોની પૂછતાછમાં બેંગ્લોરના કિશોર પટેલની વિગતો મળતાં પોલીસે ત્યાં ધસી જઇને તેને પકડી પાડયો હતો અને તેના રિમાન્ડ મેળવ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer