ટી-20માં ઈંગ્લેન્ડનો પ્રભાવી વિજય

સેન્ચૂરિયન,તા. 17 : મેન ઓફ ધ મેચ કેપ્ટન ઇયાન મોર્ગનની 7 છક્કાથી 22 દડામાં અણનમ 57 રનની ઇનિંગથી ઇંગ્લેન્ડે દ. આફ્રિકા સામેની ત્રીજી ટી-20 મેચમાં 5 વિકેટે જીત મેળવીને 2-1થી શ્રેણી કબ્જે કરી હતી. દક્ષિણ આફ્રિકા પહેલી મેચ 1 રને જીત્યું હતું. જ્યારે બીજી મેચ ઇંગ્લેન્ડ 2 રને જીત્યું હતું. રવિવારે સેન્ચુરિયન ખાતેની મેચમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટે 222 રન કર્યા હતાં. જ્યારે ઇંગ્લેન્ડે 19.1 ઓવરમાં 5 વિકેટે લક્ષ્યાંક હાંસલ કરી લીધું હતું. ઇંગ્લેન્ડે પોતાના ટી-20 ઇતિહાસમાં બીજી વાર 200+ રનો ટાર્ગેટ ચેઝ કર્યો છે. બંને વખત દક્ષિણ આફ્રિકા જ વિરોધી ટીમ રહી. આ પહેલા ઇંગ્લેન્ડે 2016માં મુંબઈમાં 230 રન કર્યા હતાં. ટી-20માં આ ચોથો મોટો લક્ષ્યાંક છે. આ પહેલા 2018માં ઓસ્ટ્રેલિયાએ ન્યૂઝીલન્ડ સામે 244 રન, વેસ્ટ ઇન્ડિઝે 2015માં દક્ષિમ આફ્રિકા સામે 232 રન અને ઇંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકા સામે 2016માં 230 રન બનાવ્યા તાં. 223 રનના લક્ષ્યનો પીછો કરતાં ઇંગ્લેન્ડ તરફથી જોની બેરસ્ટો અને જોસ બટલરે બીજી વિકેટ માટે 91 રનની ભાગીદારી કરી હતી. બટલરે 29 દડામાં 57 રન કરી આઉટ થયો હતો. તેણે 9 ચોક્કા અને બે છગ્ગા માર્યા હતાં. જ્યારે બેરસ્ટોએ 34 બોલમાં 7 ચોક્કા અને 3 છગ્ગાની મદદથી 64 રન કર્યા હતાં. મોર્ગન અને બેન સ્ટોક્સે આક્રમક બેટિંગ કરી હતી. બંનેએ 27 બોલમાં 61 રનની ભાગીદારી કરી હતી. સ્ટોક્સ 12 બોલમાં 22 રન કરીને પેવેલિયન ભેગો થયો હતો. મોર્ગને બીજી વાર 21 બોલમાં ફિફટી મારી હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડનો દક્ષિણ આફ્રિકા પ્રવાસ સમાપ્ત થયો. તેણે ટેસ્ટ સિરીઝ 3-1થી જીતી, જ્યારે વન ડે સિરીઝ 1-1થી ડ્રો રહી. આ પહેલા દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ લીધી હતી. કપ્તાન ક્વિન્ટન ડી કોક અને ટેમ્બા બાવુમાએ પહેલી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. ડી કોકે 24 બોલમાં 35 અને બાવુમાએ 24 દડામાં 49 રન કર્યા હતાં. હેનરિચ ક્લાસેને 33 બોલમાં 66 અને ડેવિડ મિલર 20 દડામાં 35 રન કરી આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી કરને અને સ્ટોક્સે 2-2 વિકેટ લીધી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer