ભુજમાં શાટિંગ વોલીબોલ ટૂર્નામેન્ટે રંગ જમાવ્યો

ભુજમાં શાટિંગ વોલીબોલ ટૂર્નામેન્ટે રંગ જમાવ્યો
ભુજ, તા. 17 : શાટિંગ બોલ એસોસિયેશન ઓફ કચ્છ દ્વારા ભુજ શહેરના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે ઓલ ઇન્ડિયા શાટિંગ વોલીબોલ સ્પર્ધામાં મેન્સમાં પંજાબની ટીમ જ્યારે વિમેન્સમાં હરિયાણા ટીમ ચેમ્પિયન થઇ હતી. કેન્દ્ર સરકારના યુવા અને રમત-ગમત મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત શાટિંગ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા તથા શાટિંગ બોલ એસોસિયેશન ઓફ કચ્છ અને પટેલ આઇ કેર-ભુજના સહયોગથી યોજાયેલી સ્પર્ધામાં મેન્સ ટીમમાં પંજાબ, હરિયાણા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રની ત્રણ ટીમ, સેક્રેટરી-સેવન, ગુજરાતની ત્રણ ટીમ તથા ઉત્તરપ્રદેશ (યુપી)ની બે ટીમે ભાગ લીધો હતો. જેમાંથી ફાઇનલ મેચ હરિયાણા તથા પંજાબની ટીમ વચ્ચે બરાબરની ટક્કર જામી હતી. રસાકસીના અંતે પંજાબની ટીમ ચેમ્પિયન થઇ હતી. બેસ્ટ પ્લેયરનો એવોર્ડ ઓલ ઇન્ડિયા ટીમના કેપ્ટન સુરેશ બિશ્નોઇ (હરિયાણા)ને ફાળે ગયો હતો. જ્યારે વિમેન્સ સ્પર્ધામાં દિલ્હી, હરિયાણા, યુપી તથા મહારાષ્ટ્રની બે ટીમે ભાગ લીધો હતો. જેમાંથી ફાઇનલ મેચમાં હરિયાણા અને મહારાષ્ટ્ર (બ્લુ) ટીમ વચ્ચે મુકાબલો જામ્યો હતો જેમાં હરિયાણા ટીમ ચેમ્પિયન થઇ હતી. બેસ્ટ પ્લેયરનો એવોર્ડ પૂજા (હરિયાણા)ને પ્રાપ્ત થયો હતો. મુખ્ય પ્રાયોજક તરીકે ડો. મગન પટેલ (આઇ સર્જન) તથા શાટિંગ બોલ ફેડરેશનના મહેશ ભૂડિયા, અશ્વિન પિંડોરિયા, જયદીપ મહેતા, અનોપાસિંહ જાડેજા, કેતન ગુંસાઇ, કુલદીપાસિંહ પરમાર, રઘુવીરાસિંહ જાડેજા, લાલાભાઇ, રજુભાઇ તથા સભ્યોએ ટૂર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપ્યો હતો. કોમેન્ટ્રી જેન્તીભાઇ (પાયસ ઇલેક્ટ્રોનિકસ)એ આપી હતી. ટ્રોફીના પ્રાયોજક હિરાણી સ્પોર્ટસના પ્રવીણભાઇ હિરાણી તથા ખેલપ્રેમીઓ દ્વારા વિવિધ ખેલાડી તથા ટીમોને રોકડ પુરસ્કારો તેમજ ખેલાડી અને ટીમોને ટ્રોફી સાથે પુરસ્કારો ડો. મગનભાઇ પટેલ, સાવિત્રીબેન એમ. પટેલ, પૂજન એમ. પટેલ તથા એસોસિયેશનના સભ્યો દ્વારા અપાયા હતા. આ આયોજનને પગલે શાટિંગ વોલીબોલના ખેલાડીઓમાં આનંદ ફેલાયો હતો અને આવા આયોજનો વારંવાર કરાય જેથી ખેલાડીઓને પ્રોત્સાહન મળે તેવી લાગણી વ્યકત કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer