ગાંધીધામમાં ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણ માટે સહયોગ

ગાંધીધામમાં ક્રિકેટ સ્ટેડિયમ નિર્માણ માટે સહયોગ
ગાંધીધામ, તા. 17 : કચ્છ ડિસ્ટ્રીકટ રૂરલ ક્રિકેટ એસોસિએશન દ્વારા ગાંધીધામ ખાતે મીડિયા પાર્ટનર કચ્છમિત્રના સહયોગથી આયોજિત ડીપીએસ ટ્રોફીમાં ખેલાયેલો ફાઈનલ જંગ રસપ્રદ રહ્યો હતો. બન્ને ટીમે સરખા રન કરતાં સુપર ઓવરમાં યજમાન ડીપીએસ એ. ટીમ ચેમ્પિયન બની હતી. આ વેળાએ ઉપસ્થિત રહેલા કચ્છના સાંસદે ગાંધીધામમાં સ્ટેડિયમના નિર્માણ માટે સહયોગ આપવા ખાત્રી આપી હતી. દિલ્હી પબ્લિક સ્કૂલના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આદિપુરની મૈત્રી સ્કૂલ અને ડીપીએસ-એની ટીમ વચ્ચે ફાઈનલ જંગ ખેલાયો હતો. ટોસ જીતી પ્રથમ ડીપીએસ સ્કૂલની ટીમે પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ દાવમાં મૈત્રી સ્કૂલની ટીમે મોહન યાદવના 48 રનના સહયોગથી ત્રણ વિકેટ ગુમાવી 128 રન બનાવ્યા હતા. 129 રનનો લક્ષ્યાંક પૂરો કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરેલી યજમાન ડીપીએસ-એની ટીમે પણ 128 રન જ બનાવતા મેચ ટાઈ થઈ હતી. બીજા દાવમાં રીધમ શ્રીવાસ્તવના બાવન રન મુખ્ય હતા. મેચ ટાઈ જતાં નિયમ મુજબ સુપર ઓવર રમાડવામાં આવી હતી. જેમાં ડીપીએસ-એની ટીમે બે વિકેટ ગુમાવી 6 રન બનાવ્યા હતા. જ્યારે મૈત્રી સ્કૂલની ટીમના ખેલાડી માત્ર એક જ રન બનાવી શકતાં ડીપીએઁસ -એની ટીમ પાંચ રને વિજયી બની હતી. ફાઈનલ મેચમાં મેન ઓફ ધ મેચ રીધમ શ્રીવાસ્તવ જાહેર થયો હતો. ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા અને ઉપવિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. આ વેળાએ ઉપસ્થિત રહેલા સાંસદ વિનોદભાઈ ચાવડાએ ક્રિકેટની રમતમાં યુવા ખેલાડીઓને આગળ લાવવા માટે કેડીઆરસીએ દ્વારા કરાતા પ્રયાસોને બિરદાવ્યા હતા. રમત ગમત સંકુલ ખાતે ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણ માટે કેડીઆરસીએને મેદાન મળે તે માટે સહયોગ આપવાની ખાત્રી આપી હતી. એરિયા રેલવે મેનેજર આદિશ પઠાનીયાએ પ્રાસંગિક વકતવ્યમાં ટૂર્નામેન્ટના આયોજન બદલ હર્ષની લાગણી વ્યકત કરી ગાંધીધામથી સારા ખેલાડીઓ આગળ વધશે તેવો આશાવાદ વ્યકત કર્યો હતો. કે.ડી.આર.સી.એ.ના પ્રમુખ શેખર અયાચીએ ક્રિકેટની રમતને આગળ વધારવાના કરાતા પ્રયાસો થકી મળેલી સફળતાઓ વિશે માહિતી આપી હતી. સૌરાષ્ટ્રની અંડર 14ની ટીમમાં કપ્તાન પણ ગાંધીધામનો ખેલાડી છે. મહિલા ખેલાડીઓ પણ સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામી સારી રમતનો દેખાવ કરી ગાંધીધામ અને કચ્છનું નામ રોશન કરતી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ પ્રસંગે ડીપીએસના ડાયરેકટર નકુલ અયાચી, ડાયરેકટર સુબોધ થપલીયાલ, શરદ શેટ્ટી, શહેર ભાજપ પ્રમુખ પુનીત દુધરેજીયા, તેજાભાઈ કાનગડ, અનિલ ગણેશવા, સુરોજીત ચક્રવર્તી, અનુજ પાંડે, નિલય દંડ, વિજય ગઢવી, અશ્વિની કચ્છાવા, અનિલ સિંઘ, કૈલાશ ગોહીલ, કેતન મકવાણા, કેડીઆસીએના સર્વે સભ્યો, રોયલ સ્પોર્ટસ કલબના સભ્યો, ખેલાડીઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંચાલન રામકરણ તિવારી ભૈયાએ કર્યું હતું. કોમેન્ટેટર તરીકે શેરૂખાન પઠાણે સેવા આપી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer