કંડલા આવેલા જહાજમાંથી એ કારગો ઉતરાવાયો

ગાંધીધામ, તા. 17 : કંડલાના દીનદયાળ બંદરની જેટી નંબર-15 ઉપર કસ્ટમ વિભાગે રોકી રાખેલા હોંગકોંગના જહાજમાંથી શંકાસ્પદ ગણાતી સિલિન્ડર પ્રકારની વસ્તુને આજે નીચે ઉતારવામાં આવી હતી. હાલમાં રોકેટ આકારની આ વસ્તુને ગોદામમાં રાખવામાં આવી છે. તેની અંદર શું છે તેની વૈજ્ઞાનિક તપાસ કર્યા બાદ સાચી હકીકત બહાર આવે તેમ છે. કંડલા બંદર પાસે છેલ્લા ચારેક દિવસથી હોંગકોંગના સીયુઆઇ યુન નામક એક જહાજને રોકી રાખવામાં આવ્યું છે. હોંગકોંગથી નીકળ્યા બાદ આ જહાજ કંડલા બંદરે આવી પહોંચ્યું હતું. તેમાંથી ભારત માટેના 54 જેટલા પવનચક્કીના પાંખડા ઉતારી લેવામાં આવ્યા હતા પરંતુ તેમાં એક શંકાસ્પદ વસ્તુ જણાઇ આવતાં તેને કસ્ટમ વિભાગ દ્વારા રોકી દેવામાં આવ્યું હતું. આ જહાજ પવનચક્કીના સાધનો લઇને પાકિસ્તાન પણ જવાનું હતું. આ શંકાસ્પદ વસ્તુ શું છે તેની તપાસ કરવા અગાઉ ડી.આર.ડી.ઓ.ની એક ટીમ અહીં આવીને જતી રહી હતી. બાદમાં આજે કસ્ટમના કમિશનરની હાજરીમાં આ ટીમ પરત અહીં આવી હોવાના હેવાલ સાંપડયા હતા. ગેસના સિલિન્ડરી કે કેપ્સુલ આકારની તથા બંને બાજુથી બંધ અને 88 ટન પેકેજ ધરાવનારી આ શંકાસ્પદ વસ્તુને કસ્ટમ વિભાગે સીઝ કરી ડીપીટીને વિધિવત સોંપી દીધું હતું. હાલમાં ચીનમાં કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો હોવાથી તથા આ જહાજમાં 22 ક્રૂ ચીનના હોવાથી અહીં હાજર લોકોએ માસ્ક અને હાથમોજાં પહેરીને ઓપરેશન પાર પાડયું હતું. આ કામગીરી ભારે ચૂપકીદીથી કરાઇ હતી. કોઇને આ સાધનના ફોટોગ્રાફ પણ લેવા દેવાયા નહોતા. ક્રેનથી ઉપાડી આ કેપ્સ્યુલ આકારની શંકાસ્પદ વસ્તુને ટ્રક ઉપર લાદવામાં આવતી હતી. મિસાઇલનો ભાગ મનાતી અને પાકિસ્તાન જવાની આ વસ્તુને હાલમાં એક ગોદામમાં રાખવામાં આવી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. બાદમાં વૈજ્ઞાનિકો તપાસ કરશે કે આ વસ્તુની અંદર શું છે ? તથા તે કેવા કામમાં ઉપયોગમાં લેવામાં આવે છે ? મિસાઇલ પ્રકારની આ વસ્તુ અહીં ઝડપાઇ જતાં ભારે ચકચાર પ્રસરી હતી. સંબંધિત જહાજને હવે જેટીથી દૂર લઇ જઇ એન્કરેજમાં રખાશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer