દરેક કોલેજમાં છાત્રાઓ માટે અલાયદી કમિટી બને

ભુજ, તા. 17 : કચ્છ યુનિ. તેમજ યુનિ. સંલગ્ન તમામ કોલેજમાં તત્કાળ અસરથી મહિલાઓની જાતીય સતામણી અટકાવવા માટે કમિટીના ગઠનનો આદેશ રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલબેન દેસાઇએ કર્યો છે. સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટની ઘટનાની જાત તપાસ કરવા આવેલા રાજુલબેને આજે કચ્છ યુનિવર્સિટી ખાતે તમામ કોલેજના આચાર્યો સાથે એક અગત્યની બેઠક યોજી હતી. બેઠક બાદ માધ્યમો સાથે વાત કરતાં મહિલા આયોગના સભ્ય રાજુલબેને જણાવ્યું કે, મહિલાઓની જાતીય સતામણી અટકે તે માટે વિશાખા ગાઇડ લાઇન હેઠળ અલાયદી કમિટી રચવાની હોય છે. કચ્છ યુનિ. સંલગ્ન કોલેજોમાં આવી કોઇ કમિટી ન હોવાનું ધ્યાને ચડતાં તત્કાળ અસરથી આવી કમિટી રચવા આદેશ કર્યા છે. સાથોસાથ મહિલાઓની સલામતી બાબતે લેવાઇ રહેલા પગલાંઓથી અવગત થઇ કમિટીની રચના સાથે બંધારણ ઘડવા તેમજ કોઇ ફરિયાદ મળે તો તેનો કેટલા દિવસમાં નિકાલ કરવો તે સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કેન્દ્ર સરકારની યુવાનોને લગતી વિવિધ યોજનાઓનો લાભ અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં ઓછો લેવાઇ રહ્યો છે ત્યારે સરકારી યોજના અંગે માહિતગાર કરવા માટે વર્કશોપ યોજવા સહિતની ભલામણ કરી હોવાનું રાજુલબેને ઉમેર્યું હતું. યુનિ.ના ઇન્ચાર્જ કુલપતિ ડો. દર્શનાબેને કહ્યું કે, મહિલા આયોગના સભ્યના આદેશ બાદ અમે દરેક કોલેજમાં આવી કમિટીની રચના કરવા પરિપત્ર જારી કરી દીધો છે. કાર્યક્રમમાં મહિલા બાળ વિકાસ અધિકારી અવનીબેન દવે, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડો. તેજલ શેઠ સહિત જિલ્લાની તમામ કોલેજના આચાર્યો હાજર રહ્યા હતા.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer