ભુજના બહુચર્ચિત મહિલા છાત્રાલયના પ્રકરણે ચાર આરોપીની ધરપકડ

ભુજના બહુચર્ચિત મહિલા છાત્રાલયના  પ્રકરણે ચાર આરોપીની ધરપકડ
ગાંધીધામ, તા. 17 : ભુજની સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટયૂટના ચર્ચિત પ્રકરણમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ચાર મહિલાઓની ધરપકડ કરી હતી. આ ચારેયના બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. સમગ્ર દેશભરમાં ખળભળાટ મચાવનારા ભુજની સહજાનંદ ગર્લ્સ સંસ્થામાં બનેલા બનાવ અંગે સંસ્થાના આચાર્ય રીટાબેન મનસુખ રાણીંગા, કો-ઓર્ડિનેટર અનિતાબેન રણછોડ કરશન ચૌહાણ, હોસ્ટેલના સુપરવાઇઝર રમીલાબેન સુરેશ કાનજી હીરાણી અને પટ્ટાવાળા નયનાબેન નારાણ અરજણ ગોરસિયા વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. આ બનાવમાં પોલીસે જુદા જુદા અધિકારીઓની વિશેષ તપાસ ટીમની રચના કરી આ ચારેયની ધરપકડ કરી હતી. આ મહિલાઓ પાસેથી એક રજિસ્ટર જપ્ત કરવામાં આવ્યું છે. ગુનાના મૂળ સુધી પહોંચવા, દસ્તાવેજી પુરાવા એકત્ર કરવા, ડેમોન્સ્ટ્રેશન, પંચનામું કરવા વગેરે મુદ્દે આ ચારેય મહિલાઓને ત્રણ દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાઇ હતી, જ્યાં આ મહિલાઓના તા. 19/2 સુધી બે દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમ્યાન, માસિક ધર્મ અંગે એક સ્વામીએ વિવાદિત ટિપ્પણી કરતાં તેમનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ બનાવથી પણ ભારે ચકચાર પ્રસરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer