સૂરજબારી પાસે ધોરીમાર્ગ અવરોધાતાં ટ્રાફિક જામ

સૂરજબારી પાસે ધોરીમાર્ગ અવરોધાતાં ટ્રાફિક જામ
ગાંધીધામ, તા. 17 : સામખિયાળીથી ગાંધીધામ સુધીના ચાર માર્ગીય ધોરીમાર્ગને છ માર્ગીયમાં પરિવર્તીત કરાયા બાદ પણ અવારનવાર ભચાઉ સામખિયાળી નજીક ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. તેવામાં આજે કચ્છના પ્રવેશદ્વાર પાસે વધુ એક વખત સવારના અરસાથી કલાકો સુધી ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકો ભારે પરેશાનીમાં મુકાયા હતા. આજના ટ્રાફિક જામમાં પોલીસ અને ન્યાયતંત્રના અધિકારીઓ તેમજ રાજકીય આગેવાનો પણ સપડાયા હતા. આ અંગે મળતી વિગતો મુજબ સુરજબારી પાસે આજે સવારે 9 વાગ્યા બાદ ટ્રાફિક અવરોધાયો હતો. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા જૂના પૂલના સમારકામ માટે એક તરફનો પૂલ બંધ કરાયો હોવાથી સવારના 10 વાગ્યાથી કચ્છ તરફ આવતો, કચ્છથી બહાર જતો ટ્રાફિક અવરોધાયો હતો. આ દરમ્યાન પવનચક્કીના પાંખડાં લઈ જતા મહાકાય વાહનો રોંગ સાઈડમાં આવી ગયા હતા અને એક ટ્રકનું ટાયર ફાટી જતાં રસ્તામાં જ અટવાઈ પડી હતી. આ પરિસ્થિતિના કારણે હાઈવે ઉપર ટ્રાફિક પૂર્વવત કરાવવામાં પોલીસને નાકે દમ આવી ગયો હતો. ખુદ બે ડીવાયએસપી અને ત્રણ ન્યાયાધિશ પણ ટ્રાફિકમાં અટવાયા હતા તેમજ રાજકીય વ્યક્તિઓ પણ સપડાયા હતા. આ દરમ્યાન સંચાર નિગમના ફોનમાં પણ ખરાબી હતી. જેથી ટ્રાફિકમાં અટવાયેલા લોકોને પોલીસનો સંપર્ક સાધવામાં પણ ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. સવારે 9 વાગ્યાથી બપોરે 1 વાગ્યા બાદ પરિસ્થિતિ હળવી બની હતી. બાદમાં ફરી બપોરે એ જ પરિસ્થિતિ સર્જાઈ હતી. સાંજે પાંચ વાગ્યા બાદ ટ્રાફિક પૂર્વવત થયો હતો. ટ્રાફિકજામના કારણે બન્ને દિશાઓમાં પાંચ પાંચ કિલોમીટરના વાહનના થપ્પા લાગ્યા હતા. અનેક લોકોને ગંતવ્ય સ્થાને પહોંચવામાં ભારે વિલંબ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આમપણ સામખિયાળી અને સુરજબારી ટોલનાકા ઉપર પણ અવારનવાર કલાકો સુધી ટ્રાફિક અવરોધાય છે. આ અંગે વખતોવખત ઉચ્ચ સ્તરે રજૂઆતો પણ કરાય છે, પરંતુ તેનો કોઈ નિવેડો નથી આવતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer