આદિપુરમાં લગ્નના રસોડે ગેસ સિલિન્ડર ફાટતાં નાસભાગ : ચાર યુવાનો દાઝી ગયા

આદિપુરમાં લગ્નના રસોડે ગેસ સિલિન્ડર  ફાટતાં નાસભાગ : ચાર યુવાનો દાઝી ગયા
ગાંધીધામ, તા. 17 : આદિપુરના 4-એ-બી વિસ્તારમાં આવેલી લછવાણી ધર્મશાલા નજીક લગ્ન પ્રસંગે એક ખાલી પ્લોટમાં રસોઇ બનાવતી વખતે ગેસનો બાટલો ફાટતાં ચાર યુવાનો ગંભીર રીતે દાઝી ગયા હતા. આ યુવાનોને સારવાર અર્થે ખસેડાયા હતા. આ બનાવના પગલે નાસભાગ થઇ પડી હતી. આદિપુરના 4-એ-બી વિસ્તારમાં આજે બપોરે 2.15ના અરસામાં આ બનાવ બન્યો હતો. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં રહેતા દિનેશ વિશનજી માલીના ઘરે લગ્ન પ્રસંગ હતો, જે માટે લછવાણી ધર્મશાળા નજીક આવેલા એક ખાલી પ્લોટમાં રસોયા આજે બપોરે રસોઇ બનાવી રહ્યા હતા. તેવામાં રાંધણગેસનો બાટલો અચાનક ફાટતાં ત્યાં નાસભાગ થઇ પડી હતી. આ બનાવમાં રસોયા સાથે આવેલા આનંદ તોમર (ઉ.વ. 22), પરવેઝ બામોદિયા (ઉ.વ. 16), ધારૂ ખાન (ઉ.વ. 22) અને રવિ બામોદિયા (ઉ.વ. 25) ગંભીર રીતે દાઝી જતાં આ ચારેયને સારવાર અર્થે ખસેડાયા હતા, જે પૈકી બે યુવાનો ગંભીર જણાતાં તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. આ બાટલો કેમ ફાટયો ? તે જૂનો હતો કે નવો ? બાટલો ક્યાંથી આવ્યો હતો વગેરેની તપાસ માટે આ બાટલાને એફ.એસ.એલ. માટે મોકલવામાં આવશે તેવું પોલીસે ઉમેર્યું હતું. આ બનાવથી સમગ્ર સંકુલમાં ભારે ચકચાર પ્રસરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer