અંતે ઓપનએર થિયેટર બનશે ભુજ સુધરાઇનું નવું સંકુલ

અંતે ઓપનએર થિયેટર બનશે ભુજ સુધરાઇનું નવું સંકુલ
ભુજ, તા. 17 : હરહંમેશ કોઇને કોઇ વિવાદિત મુદ્દાઓને પગલે ચર્ચામાં રહેતી ભુજ સુધરાઇની સામાન્ય સભા આ વખતે વિપક્ષના ખાસ કોઇ વિરોધ વિના પૂર્ણ થતાં શાસકોએ હાશકારો અનુભવ્યો હતો. જો કે, મોટા ભાગના સત્તાપક્ષના નગરસેવકો આ વખતે સભા છોડી જવાના વિરોધમાં હતા, પરંતુ તેમ છતાં પદાધિકારીઓ દ્વારા સભા સમાપ્તિની ઘોષણા કરી દેવાતાં અંતે બેઠક છોડવા મજબૂર બન્યા હતા. ભુજ નગરપાલિકાના સભા ખંડ ખાતે મળેલી સામાન્ય સભામાં અધ્યક્ષા લતાબેન સોલંકીએ પ્રમુખસ્થાનેથી ઠરાવો રજૂ કર્યા હતા, જેમાં ખાસ કરીને કુકમા ખાતે ગામમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ચાલુ કરાવવા 14મા નાણાપંચની ગ્રાન્ટની રકમમાંથી 6143740ના ખર્ચ મંજૂર કરાવવા, સીએએ કાયદાને અનુમોદન, નગરપાલિકાના નવા સંકુલ માટે હાલની કચેરીને યથાવત રાખી ઓપનએર થિયેટરવાળી જગ્યા પર બનાવવા અને ત્યારબાદ હયાત કચેરીને એ જગ્યાએ લઇ જઇ હાલની કચેરીના સ્થળે ઓપનએર થિયેટર બનાવવા, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પ્લાસ્ટિક વેસ્ટ (મેનેજમેન્ટ એન્ડ હેન્ડલિંગ) રૂલ્સ-2011 મંજૂર કરવા, અલગ-અલગ સ્થળે કરાયેલા ગટરલાઇનના કામનો 65 લાખનો ખર્ચ 45(ડી) તથા 67(3) હેઠળ મંજૂર કરવાના ઠરાવને બહાલી અપાઇ હતી. પ્રારંભે કારોબારી ચેરમેન ભરત રાણાએ ઓપનિંગ બેલેન્સ 302021195.19 સામે ખર્ચ 51378544.40 તથા 410000 તસલમાત મળી કુલ 503044017.53ના ઓક્ટોબરથી ડિસેમ્બરના ત્રિમાસિક હિસાબો તથા 981718887નું એપ્રિલથી માર્ચ-2019-20નું રિવાઇઝડ બજેટ તારીજ તથા 1360700000નું એપ્રિલ-2020થી માર્ચ-2021નું બજેટ તારીજ રજૂ કર્યું હતું. ઉપરાંત અમૃત યોજના હેઠળ પાણી પુરવઠા શાખાના કામોમાં વધારે ખર્ચને મંજૂરી, ઘરવિહોણા લોકો માટે આશ્રયસ્થાનનો ખર્ચ, રોડલાઇટ સુવિધા, બે કરોડના ખર્ચે અમૃત યોજના અંતર્ગત બાગબગીચાનો વિકાસ, જુદી-જુદી મોટરના રીપેરિંગ, પાણીના સમ્પ માટે સરકારી જમીનની માગણી તેમજ અલગ-અલગ કામોના 74 ઠરાવને રજૂ કરી બહાલી અપાઇ હતી. ધી સ્ટ્રીટ વેન્ડર્સ રૂલ્સ અને સ્કીમ અંતર્ગત અનુક્રમે અપીલ સમિતિની રચના કરવા જેમાં અધ્યક્ષ લતાબેન સોલંકી તથા સભ્યોમાં ડો. રામ ગઢવી, ભરત રાણા, અશોક પટેલ, કૌશલ મહેતાના નામો જાહેર કરી આગામી કારોબારી સમિતિમાં ઠરાવ થવા અંગે ઠરાવાયું હતું. આમ તો દરેક વખતે શરૂઆતની થોડા જ સમયમાં સભા સમેટાઇ જતી હોય છે, પરંતુ આ વખતે વિપક્ષે તમામ ઠરાવોનું વાંચન કરવા સુધી વિરોધ ન કર્યો. પરંતુ સીએએને અનુમોદનનો ઠરાવ રજૂ થતાં જ ફકીરમામદ કુંભાર, કાસમ સમા, માલશી માતંગ, આઇસુબેન સહિતે સીએએ શું છે તે સમજાવવાની માંગ કરતાં વાતાવરણ ગરમાયું હતું અને તે જ સમયે પ્રમુખે સભા પૂર્ણ જાહેર કરી દીધી હતી. વિપક્ષી નેતા રાજેદ્રાસિંહ જાડેજાએ અગાઉની સભાની ઘટના પર પ્રકાશ પાડી સુધરાઇ સામે અવિશ્વાસની દરખાસ્ત કરાઇ હોવાનું જણાવી વિવિધ કામોમાં ભ્રષ્ટાચારનો સત્તાધીશો પર આક્ષેપ કર્યો હતો અને સભા બાદ વિપક્ષે મુખ્ય અધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. ઉપપ્રમુખ ડો. રામ ગઢવી તથા મુખ્ય અધિકારી નીતિન બોડાત મંચસ્થ રહ્યા હતા. સત્તાપક્ષ-વિપક્ષના નગરસેવકોએ ચર્ચામાં ભાગ લીધો હતો.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer