કાંટા વગરના થોરને અપનાવવો જરૂરી

કાંટા વગરના થોરને અપનાવવો જરૂરી
ભુજ, તા. 17 : કચ્છની આબોહવાની સાથે સરળતાથી ઉછરી શકે તેવો મૂળ સીરિયાનો કાંટા વગરનો થોર હવે જિલ્લામાં પોતાની ઓળખ મેળવતો જાય છે પરંતુ હજુ જોઈએ તેવો તેનો પ્રસાર થાય તો પશુધનને ઉચ્ચ ગુણવત્તાના આહારની સાથે પર્યાવરણનું સંરક્ષણ પણ થઈ શકે છે એમ કેન્દ્રીય શુષ્ક વિસ્તાર અનુસંધાન કેન્દ્ર (કાઝરી)ના પ્રાદેશિક સંશોધન કેન્દ્ર કુકમા દ્વારા આયોજિત `કેકટસ ફિલ્ડ ડે'માં વૈજ્ઞાનિકો, તજજ્ઞોએ જણાવ્યું હતું. મુંદરા તાલુકાના હટડી ગામે આયોજિત આ કાર્યક્રમમાં 66 મહિલા ખેડૂતો સહિત 115 કિસાનોએ ભાગ લીધો હતો. મુખ્ય મહેમાન પદે હાજર રહેલા જોર્ડનની સંસ્થા `ઈકાર્ડા'ના આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિ ડો. હસન સ્વાસને ઉપસ્થિત કિસાનો પાસેથી મંતવ્યો જ નહોતાં લીધાં બલ્કે થોરના પાકને લઈને વિશેષ માહિતી પણ પૂરી પાડી હતી. કાઝરીના કુકમા કેન્દ્રના નવનિયુક્ત વડા એમ. સુરેશકુમારના સ્વાગત પ્રવચન બાદ કેન્દ્રના પૂર્વ વડા ડો. દેવીદયાલે કાંટા વગરના થોરને કચ્છ માટે અનુકૂળ અને અપનાવવા યોગ્ય પાક લેખાવ્યો હતો. તેમણે કહ્યું કે આ વિશિષ્ટ થોર કચ્છની સૂકી હવામાં આસાનીથી ઊગી શકતો હોવા ઉપરાંત પશુ આહાર માટે પણ યોગ્ય છે. થોર ઉગાડનારા ખેડૂતો વીરજીભાઈ અને પપ્પુભાઈએ આ પાકને ઉગાડવા અંગેની પૂરક વિગતો આપી હતી. કાઝરીના મીરા વૈશ્નવે થોરના શાકનું નિદર્શન આપ્યું હતું. ડો. રામનિવાસ સિંહે કઈ રીતે થોરને આંતરપાક તરીકે લઈ શકાય તેનું માર્ગદર્શન આપ્યું હતું. સચિન પટેલે થોરને પશુ આહારમાં આપવાની પદ્ધતિ વર્ણવી હતી. વૈજ્ઞાનિક ડો.આનંદકુમાર નાઓરેમે આભારવિધિ કરી હતી.

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer